(ફિરોઝ મનસુરી)
અમદાવાદ, તા.૧૪
કચ્છ જિલ્લાને સરકારે અછતગ્રસ્ત જાહેર તો કરી દીધો પરંતુ તેમને સહાય ડિસેમ્બર માસથી અપાશે. ત્યારે દુષ્કાળગ્રસ્ત કચ્છમાં પાણી અને ઘાસ માટે ફાંફાં પડતા કચ્છના માલધારીઓએ હિજરત કરીને રાજ્યના જુદા સ્થળોએ પડાવ નાખ્યો છે. ત્યારે કચ્છના દોઢસો માલધારીઓએ બે હજાર જેટલા ઢોરો સાથે સાણંદના ઈયાવા ગામે પડાવ નાખ્યો છે. જો કે તેમને સહાય માટે સરકારમાં રજૂઆત કરી પરંતુ સરકાર જાણે સહાય કરવામાં આંખ આડા કાન કરી રહી છે. સરકાર માલધારીઓને કહે છે કે તમે હિજરત કરીને જ્યાં આવ્યા છો તે સાણંદ વિસ્તાર અછતગ્રસ્ત વિસ્તાર નથી. એટલે અમે સહાય ન કરીએ કહીને સરકારે સહાય કરવામાંથી હાથ ખંખેરી નાખ્યા છે. ત્યારે બીજી બાજુ સાણંદના રહીશોએ કચ્છી માલધારીઓની વેદનાને સમજી તેમની વ્હારે આવી મદદ કરી રહ્યા છે. એટલે સરકારે જે સહાય કરવાની છે તે હાલ સાણંદના રહીશો કરી રહ્યા છે. કચ્છી માલધારીઓની એક જ માંગ છે કે તેઓ ક્યાં આશ્રય લઈ રહ્યા છે. તેને ધ્યાને લીધા વિના તેઓ કચ્છના અછતગ્રસ્ત વિસ્તારના છે તે સમજીને સરકાર સહાય કરે તે જરૂરી છે. ગરીબ લાચાર માલધારીઓ હાલ તો સરકાર પાસેથી આશાની મીટ માંડીને બેઠા છે. પણ આ સરકારના નિયમો અને કાયદામાં પડ્યા વિના માનવતાના ધોરણે સાણંદના ઈયાવામાં હિજરત કરીને આવેલા કચ્છી માલધારીઓને તાત્કાલિક સહાય કરે.

ફેક્ટરી અને કંપનીઓના પ્રાંગણમાં ઉગેલા સૂકા ઘાસ પશુઓને અપાયા

કચ્છથી હિજરત કરીને ઈયાવા ગામે પડાવ નાંખનારી કચ્છી માલધારીઓની વેદનાને લીધે સ્થાનિક ફેક્ટરીઓ અને કંપનીના માલિકો પણ તેમની વ્હારે આવ્યા છે. કંપનીઓના પ્રાંગણમાં ઉગેલા સૂકા ઘાસ પણ પશુઓને ખવડાવવા માલધારીઓને આપી રહ્યા છે. જેના લીધે માલધારીઓને હાલ તો થોડી રાહત મળી છે. જો કે સૂકું ઘાસ ખાવાને લીધે પશુઓના દૂધમાં પશુ દીઠ એકથી દોઢ લિટરનો ઘટાડો થયો છે. કેમ કે સૂકા ઘાસને લીધે પશુ તેના નિયમિત કરતા ઓછું દૂધ આપે છે.

સાણંદના રહીશે ખેતરના બોરવેલમાંથી
માલધારીઓને પાણી આપ્યું

સાણંદના રહીશ રાજેન્દ્રસિંહ વાઘેલાએ કચ્છી માલધારીઓને રહેવા માટે ખેતર અને પાણીની સુવિધા પૂરી પાડી છે. આ અંગે રાજેન્દ્રસિંહ જણાવ્યું હતું કે, કચ્છી માલધારીઓએ જ્યારે ઈયાવામાં પડાવ નાંખ્યો અને મારા સંપર્કમાં આવ્યા હતા. ત્યારે મે મારા ખેતરના બોરમાંથી માલધારીઓ અને ઢોરો માટે પાણી આપ્યું છે. હજુ તેમના ઢોરોને પાણી માટે હવાડો બનાવવાની દિશામાં લોકો સાથે મળીને કામગીરી હાલ ચાલી રહી છે. જો કે સરકાર તેમને મદદ નહીં કરે તો ટૂંક સમયમાં અમે લોકો પાણીનો હવાડો પણ બનાવી આપીશું.

ગુજરાન ચલાવવા દૂધ વેચવા
છતાં હાલાકી ભોગવતાં માલધારી

કચ્છી માલધારીઓ હાલ તો ઈયાવા ગામે પડાવ નાંખીને રહે છે. જો કે તેઓ પોતાનું ગુજરાન ચલાવવા તેમના પશુઓના દૂધનું વેચાણ કરે છે. પરંતુ તેમાં પણ તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક એક દૂધ મંડળીમાં તેઓ દૂધ આપે છે પરંતુ તેનું ચૂકવણું ૧૮ દિવસે થતું હોવાથી તેમને હાલ તો હાલાકી ભોગવવી પડી રહી છે.

કુદરતનો ખોળો ખુંદનારા, કુદરતના જ ભરોસે


કચ્છી માલધારીઓના પરિવારની મુલાકાત દરમ્યાન એક દૃશ્ય દિલને હલમચાવી ગયું હતું. માલેતુજારોના બાળક આસપાસ તેની માતા એક માખી કે મચ્છર ફરકવા ન દે તેટલી તેની કાળજી રાખતી હોય છે પરંતુ આ માલધારીઓનો પરિવાર સતત કામમાં વ્યસ્ત રહેતો હોવાથી તેમના બાળકો પણ કુદરતના ખોળામાં કુદરતના ભરોસે જ મોટા થતાં હોય છે. આ પરિવાર સાથે આવેલો એક બે વર્ષનો બાળક નિંદ્રા માણી રહ્યો હતો ત્યારે તેની આસપાસ અસંખ્ય માખીઓ અને મચ્છર ગણગણતા હતા છતાં તેની નિંદ્રામાં કોઈ ખલેલ પહોંચી નહતી. કચ્છી માલધારીઓ માટે તેમના ઢોરો અમુલ્ય છે આથી તેમના પ્રાણથીયે વિશેષ જતન કરે છે. જ્યારે બાળકોનું ધ્યાન રાખનારો પાલનહાર બેઠો જ છે.

સ્થાનિકો માલધારીઓને દરરોજ લીલુંઘાસ આપશે

સાણંદના રહીશ અમરસિંહ સોલંકી કચ્છી માલધારીઓની વ્હારે આવ્યા છે. તેમણે વિવિધ એનજીઓ, સંસ્થા અને ઈન્ડસ્ટ્રીઝના માલિકોને મળીને માલધારીઓને સરકાર સહાય ના કરે ત્યાં સુધી દરરોજ રપ૦ મણ લીલુંઘાસ આપવાની તૈયારી કરી છે. આ અંગે અમરસિંહે જણાવ્યું હતું કે, અમે વિવિધ સંસ્થાઓ અને ઈન્ડસ્ટ્રીઝના માલિકોને મળીને માલધારીઓની સમસ્યા વિશે વાત કરી છે. ત્યારે તમામ લોકો માલધારીઓની મદદ માટે તૈયાર છે. એટલે એક-બે દિવસમાં જ અમે દરરોજ રપ૦ મણ લીલુંઘાસ માલધારીઓને આપીશું.

દુષ્કાળમાં આવી પરિસ્થિતિ મારા જીવનમાં ક્યારેય અનુભવી નથી

સાણંદમાં આવેલા માલધારીઓમાં ૮૦ વર્ષના ખાજાણી જીવાભાઈ જત મલેકે જણાવ્યું હતું કે મારા જીવનમાં દુષ્કાળમાં આવી પરિસ્થિતિ મેં ક્યારેય જોઈ નથી. વર્ષ-૧૯૭ર, ૧૯૮૬માં પણ દુષ્કાળ વખતે અમારે કચ્છમાંથી હિજરત કરવી પડી હતી. પરંતુ ત્યારે ઘાસ મળતું હતું. જ્યારે અત્યારે તો ઘાસ પણ મળતું નથી.

કચ્છી માલધારીની વેદના : હિજરત ના કરી હોત તો પશુ મરી જાત, ગરીબ નહીં મજબૂર છીએ

ઈયાવા ગામે આવેલા કચ્છી માલધારીઓના અગ્રણી વલીમોહંમદ ઉર્ફે શોઢા હાજીશાહુ જત મલેકે જણાવ્યું હતું કચ્છમાં પાણી અને ઘાસની અછતને લીધે અમારા પશુ મરી જાય તેમ હતા. એટલે અમે હિજરત કરીને ઈયાવા ગામે પડાવ નાંખ્યો છે. જો કે અમારા બે હજાર જેટલા પશુઓને ઘાસચારા અને પાણી આપવા માટે અમે સરકારના મંત્રીઓ અને કમિશનરને જઈને રજૂઆત કરી હતી પરંતુ સરકાર તરફથી અમને એવો જવાબ મળ્યો કે તમે સાણંદમાં આશ્રય લો છો અને સાણંદ અછતગ્રસ્ત વિસ્તાર નથી એટલે અમે તમને સહાય કરી શકીએ નહીં. જો તમારે સહાય લેવી હોય તો કચ્છમાં જાવ ત્યાં અમે સહાય આપીશું. સરકારના આ જવાબથી અમે ડઘાઈ ગયા. જો કે અમે સરકારને કહ્યું કે, અમે સાણંદમાં આશ્રય લીધો છે પરંતુ અમે કચ્છના જ છીએ. અમારા આઈડી પ્રુફ પણ તમે જોઈ શકો છો. તે જે સહાય તમે કચ્છમાં આ સહાય તમે કચ્છમાં આપવાના છો તે જ સહાય અમને અહિંયા આપો તો સારું.
જો કે સરકારે હજુ સુધી કોઈ યોગ્ય પ્રત્યુત્તર આપ્યો નથી. વધુમાં માલધારી વલીમોહંમદે કહ્યું કે, સરકારના મુજબ જો અમારે સહાય મેળવવી હોય તો કચ્છ જવું પડે. તો જો અમે અત્યાર સુધી કચ્છમાં રહ્યા હોત તો પાણી અને ઘાસની અછતને લીધે અમારા પશુઓ મોતને ભેટી ગયા હોત.
એટલે અમારા પશુઓને બચાવવા અમારે હિજરત કરીને સાણંદમાં આવવું પડયું છે. જો કે અમે ગરીબ નથી અને મજબૂર છીએ એટલે હિજરત કરીને સાણંદમાં આવીને રહેવું પડયું છે. ત્યારે સાણંદના રહીશોએ અમને ઘણી સહાય કરી છે. સરકાર જ્યાં સુધી સહાય ના કરે ત્યાં સુધી અમને લોકો સહાય કરે તો અમે સ્વીકારીશું. અમારા ૩૬ કુટુંબના ૧પ૦ લોકો અને ર૦૦૦ હજાર પશુઓનો હાલ તો ઉપર કુદરત અને નીચે સાણંદની પ્રજા વ્હારે આવી છે. પણ સરકાર અમારી મદદે ક્યારે આવશે તેની રાહ જોઈને બેઠા છીએ.