અમદાવાદ, તા.૧૯
હાલ દેશભરની સાથે ગુજરાતમાં પણ સીએએ, એનઆરસી અને એનપીઆર જેવા કાળા કાયદાનો ઠેર-ઠેર વિરોધ થઈ રહ્યો છે, ત્યારે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે સંવિધાન બચાવો દેશ બચાવોના નારા સાથે “સંવિધાન બચાએંગે, કાગઝ નહીં દીખાએંગે” ઝુંબેશ શરૂ કરી સવિનય કાનૂન ભંગ દ્વારા વિરોધ નોંધાવવા અને અહિંસક ગાંધી ક્રાંતિનું સર્જન કરવા સ્ટીકર બનાવી ઘરેઘર ચોંટાડવા અપીલ કરી છે. સીએએ/એનઆરસી/એનપીઆરનો સવિનય કાનૂન ભંગ દ્વારા સંવિધાન, લોકશાહી, સર્વધર્મ સમભાવના રક્ષણ માટે અહિંસક ગાંધી ક્રાંતિનું સર્જન કરવા સ્ટીકર બનાવી ગુજરાતમાં ઘરે ઘરે ચોંટાડવા ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે સામાજિક, સ્વૈચ્છિક તેમજ સેવાભાવિ સંસ્થાઓને સવિનય કાનૂન ભંગ દ્વારા વિરોધ નોંધાવવા હાકલ કરી છે. સંવિધાન બચાએંગે-કાગજ નહીં દિખાએંગે અંગે લોકોને જાગૃત થવા અપીલ કરી છે. ધારાસભ્ય શેખે આ અંગે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીને લખેલ પત્રમાં માગણી કરતા જણાવ્યું છે કે, સીએએ, એનઆરસી અને એનપીઆર જેવા કાળા કાયદાઓના સવિનય કાનૂન ભંગ માટે કોંગ્રેસ પક્ષે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બોલાવી, સહુ વિરોધ પક્ષો સાથે બેઠક અને ચર્ચા કરી આવા કાયદાના સવિનય કાનૂન ભંગ માટે કાર્યક્રમ ઘડી કાઢવા જોઈએ તેવું મારૂં સૂચન છે, તેમજ લોકોની લાગણી અને માગણી પણ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અહિંસક ગાંધી ક્રાંતિનો સર્જન કરવા આવા સ્ટીકરો ૭૦૦થી ૭પ૦ રૂપિયામાં ૧૦૦૦ નંગ બની જાય છે. આથી વધુમાં વધુ લોકોએ આવા સ્ટીકરો બનાવી લોકોમાં વેચવા જોઈએ.