(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.ર૧
સમગ્ર દેશની પ્રજામાં હાલ સીએએ, એનઆરસી અને એનપીઆર જેવા કાળા કાયદાની અમલવારી અંગે છુપો ભય પ્રવર્તી રહ્યો છે. આથી આ ગેરબંધારણીય અને સર્વધર્મ સમભાવની ભાવનાને છિન્નભિન્ંન કરતા કાળા કાયદાનો દેશભરના તમામ ધર્મના લોકો વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ દેખાવો, ધરણા, પ્રદર્શન માનવ સાંકળ સહિતના કાર્યક્રમોની સાથે સાથે જાગૃત મુસ્લિમ આગેવાનો દ્વારા સંવિધાન બચાએગે કાગઝ નહીં દીખાએંગે જેવી સવિનય કાનૂન ભંગ લડત ચાલુ કરવામાં આવી છે. જેને જબ્બર પ્રતિસાદ સાંપડી રહ્યો છે. ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે સંવિધાન અને લોકશાહી વિરોધી કાળા કાયદાના વિરોધમાં રાજયભરની પ્રજાને સવિનય કાનૂન ભંગ લડત ચાલુ કરવા આહવાન કર્યું છે. તેમણે જણાવ્યું છે કે આપણો વિરોધ સરકાર સામે નથી પરંતુ કાળા કાયદા સામે છે. આથી ગાંધીચિંધ્યા માર્ગે અહિંસક ગાંધી ક્રાંતિ દ્વારા વિરોધ કરવો જરૂરી છે અને દેશભરના તમામ ધર્મના લોકો આ કાળા કાયદાનો શાંતિપૂર્ણ અને અહિંસક વિરોધ નોંધાવી રહ્યા છે. આથી ગુજરાતમાં આ વિરોધને વધુ બળ મળે અને ઘરે-ઘર લોકોમાં જાગૃતિ આવે તે માટે સંવિધાન, લોકશાહી અને સર્વધર્મ સમભાવના રક્ષણ માટે અહિંસક ગાંધી ક્રાંતિનું સર્જન કરવા સવિનય કાનૂન ભંગ દ્વારા વિરોધ નોંધાવવા સ્ટીકર બનાવી ગુજરાતમાં ઘરે-ઘર ચોંટાડવા લોકોને અપીલ કરી હતી. આજ રીતે વાંકાનેરના ધારાસભ્ય મોહમ્મદ જાવેદ પીરઝાદા, ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા, મ્યુનિ. કાઉન્સિલર બદરૂદ્દીન શેખ સહિતના મુસ્લિમ આગેવાનોએ પણ રાજયની પ્રજાને સવિનય કાનૂન ભંગ દ્વારા વિરોધ નોંધાવવા પૂરજોશમાં સ્ટીકર અભિયાન શરૂ કરવા અને ઘરે-ઘર સ્ટીકર ચોંડાડવા કાર્યકરોને લાગી જવા આહવાન કર્યું છે અને સામાજિક કાર્યકરોને પણ વધુમાં વધુ સંખ્યામાં સ્ટીકરો બનાવી લોકોમાં વહેંચવા અપીલ કરી છે. મુસ્લિમ આગેવાનોની અપીલ બાદ કચ્છનો મુસ્લિમ સમાજ પણ આ અભિયાનમાં જોડાશે. આ બાબતે વિગતો આપતા કચ્છ જિલ્લાના મુસ્લિમ આગેવાન હાજી જુમા રાયમાએ જણાવેલ કે એનપીઆર એ એનઆરસીનું બીજું રૂપ છે આવા ગેર બંધારણીય કાનૂન સરકાર દ્વારા બળજબરીથી થોપવામાં આવે છે ત્યારે લોકો પાસે ગાંધીચિંધ્યા માર્ગે અહિંસક આંદોલન સવિનય કાનૂન ભંગ એક માત્ર વિકલ્પ છે ત્યારે ટૂંક સમયમાં સમગ્ર કચ્છના તમામ ધાર્મિક-સામાજિક-રાજકીય આગેવાનોની મીટિંગ બોલાવી સમગ્ર કચ્છમાં તમામ લોકોને જાગૃત કરી આ સવિનય કાનૂન ભંગ સંવિધાન બચાએંગે કાગજ નહીં દીખાયેંગે લડત કરીશું આ લડતની રૂપરેખા નક્કી કરવા કચ્છના મુસ્લિમ આગેવાનો મળી સંવિધાન બચાએંગે કાગજ નહીં દીખાયેગેના સ્ટીકરો અને પેમ્ફલેટ વગેરે છપાવીને અહિંસક રીતે એનપીઆર સામે લડત ચલાવીશું તેવું હાજી જુમા રાયમાએ જણાવેલ હતું. બીજી તરફ સવિનય કાનૂન ભંગ દ્વારા વિરોધ નોંધાવી સ્ટીકરો લગાવવાની ઝુંબેશ ગુજરાત બહાર મધ્યપ્રદેશમાં પણ શરૂ થઈ ગઈ છે. ભોપાલમાં કોંગ્રેસના ધારાસભ્યોએ તેમના ઘર બહાર સ્ટીકરો ચોંટાડી ઝુંબેશની શરૂઆત કરી હતી અને કાર્યકરો તેમજ મતદારોને ઘર બહાર સ્ટીકર ચોંટાડવા આહવાન કર્યું હતું.