અમદાવાદ, તા.૨૮
વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે, પરંતુ અનેક અમદાવાદીઓ આ નિયમનું પાલન નથી કરતા અને હેલ્મેટ પહેર્યા વગર જ વાહન ચલાવે છે, જેના કારણે ઘણી વખત લોકોએ જિંદગી ગુમાવવાનો વારો પણ આવ્યો છે. ગઈ કાલે મોડી રાતે ગોતાબ્રિજ ઊતરતા બાઈકચાલકે કાબૂ ગુમાવતાં બાઈક સ્ટ્રીટલાઇટના પોલ સાથે અથડાયું હતું. હેલ્મેટ ન પહેરેલું હોવાના કારણે બાઇકચાલક યુવકને માથામાં ગંભીર ઈજા થતાં તેનું મોત નીપજ્યું હતું, જયારે બાઈકની પાછળ બેઠેલી મહિલાને ગંભીર ઇજા થતાં સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડાયાં હતાં. મળતી માહિતી મુજબ થલતેજ ગામમાં આવેલ ઇન્દિરા આવાસ યોજનાના મકાનમાં રહેતા જીણાભાઈ કોરી (ઉ.વ.પ૦)નો પુત્ર કૃષ્ણકુમાર ઉર્ફે કિશન (ઉ.વ.રર) ગઈ કાલે મોડી રાતે તેનું બાઈક લઇને તેમના મકાનના પાછળના છાપરામાં રહેતાં પિન્કીબહેન દંતાણી (ઉ.વ.૩૦)ને બાઈક પાછળ બેસાડી ગોતાબ્રિજ ઉપરથી પસાર થઇ રહ્યો હતો. દરમ્યાનમાં બ્રિજ ઊતરતા સમયે કૃષ્ણકુમારે બાઈક પરથી કાબૂ ગુમાવતાં બાઈક ડિવાઈડર સાથે અથડાઈને સ્ટ્રીટલાઇટના પોલ સાથે અથડાયું હતું. હેલ્મેટ ન પહરેલ હોવાના કારણે કૃષ્ણકુમારને માથા અને કપાળના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. જ્યારે પિન્કીબહેનને પણ મોઢાના ભાગે ઈજાઓ થવા પામી હતી. બંનેને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડાયાં હતાં, જ્યાં સારવાર દરમ્યાન કૃષ્ણકુમારનું મોત થયું હતું. એ ડિવિઝન ટ્રાફિક પોલીસને જાણ કરાતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે જીણાભાઈની ફરિયાદના આધારે કૃષ્ણકુમાર વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.