(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૧
દેશભરમાં ટ્રાન્સપોર્ટરો વિવિધ પડતર માંગણીઓને કારણે હડતાળ ઉપર ઉતરી ગયા છે. આજે બીજા દિવસે પણ સવારથી જ માર્ગો પરથી ટ્રક જાણે કે અદ્રશ્ય થઇ ગયા હોય તેમ દેખાઇ આવ્યું હતું. દક્ષિણ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનનો દાવો છે કે, હડતાળમાં ૯૦ ટકા ટ્રકના પૈડા થંભી ગયા છે. બાકીની ૧૦ ટકા ટ્રક વેપારીઓના માલસામાને ગંતવ્ય સ્થળે પહોંચાડીને હડતાળમાં જોડાશે. હડતાળને કારણે દક્ષિણ ગુજરાતના ટ્રાન્સપોટઁરોને બે દિવસમાં રૂા.૬૦૦ કરોડનું અને દેશભરના ટ્રાન્સપોર્ટરોને રૂા.૮ હજાર કરોડનું નુકસાન થઇ રહ્ય્યુ છે. હડતાળ રોકવા દિલ્હીમાં રાત્રે અઢી વાગ્યા સુધી બેેઠકો ચાલી હતી. જેમાં કાર્યકારી નાણાં મંત્રીએ મૌખિક ઘણી ખાતરી આપી હતી. પણ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના હોદ્દેદારોના જણાવ્યા અનુસાર ગુજરાતની લાખો ટ્રકો હડતાળમાં જોડાતા એલાને ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે. ડીઝલના વધતા ભાવ ઉપરાંત ટોલ ફી ટ્રાન્સપોર્ટેશન, થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સની કિંમતમાં મોટા પાયે કરાયેલો વધારો અટકાવવા તથા જીએસટી અને ઇ – વે બિલના અમલ બાદ ટ્રાન્સપોર્ટરોને મોબાઇલ સ્કોવડ દ્વારા થતી પરેશાની થઇ દૂર કરવાની પણ માંગણી છે. બીજા દિવસે પણ હડતાળ ચાલુ રહેવા પામી છે. સુરતમાં કાપડ ઉદ્યોગને હડતાળની મોટી અસર પડી રહી છે. જો કે, હાલમાં તમાંમ વેપારીઓ પાસે માલ હોવાના કારણે જો હડતાળ લાંબી ચાલી તો જીવન જરૂરીયાતની વસ્તુઓ પર તેની અસર પડવાની શરૂઆત થઇ જશે.