(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૫
વડોદરા કોર્પોરેશન દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વાઘોડીયા રોડ ખાતે આવેલી લાલબહારદુર શાસ્ત્રી વિદ્યાલયનાં વર્ગમાં છતનો પોપડો તુટી પડતાં ધો.૪નાં એક વિદ્યાર્થીને ઇજાઓ થવા પામી હતી.
વાઘોડીયા રોડ અતિથિ ગૃહ પાસે આવેલ શિક્ષણ સમિતિ સંચાલિત લાલબહાદુર શાસ્ત્રી સ્કુલનાં ધો.૪નાં વર્ગમાં આજે અભ્યાસ ચાલી રહ્યો હતો. તે વખતે અચાનક વર્ગખંડની છતનો પોપડો તુટીને નિચે પડતા નીચે બેઠેલા વિદ્યાર્થીના માથા પર પડતાં તેને ઇજાઓ થવા પામી હતી. લોહીલુહાણ થઇ ગયેલા વિદ્યાર્થીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવને પગલે શાળામાં અફડાતફડી મચી જવા પામી હતી. હાલમાં જ શાળામાં રીનોવેશન કરાયું હોવાથી કોન્ટ્રાકટરની કામગીરી પર પ્રશ્નોર્થો ઉભા થયા છે. આ બનાવની જાણ થતા શાળાનાં આચાર્ય તેમજ શિક્ષણ સમિતિનાં ચેરમેન મીનાબા પણ શાળા ખાતે દોડી આવ્યા હતા. તેમજ રીનોવેશન કરનાર કોન્ટ્રાકટર અને એન્જીનીયરને બોલાવી છત પરથી પડેલા પોપડા અંગે માહિતી મેળવી હતી.