(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૦
કામરેજના કોળી ભરથાણા ગામે રહેતી કોલેજની વિદ્યાર્થિની આજે સવારે મોપેડ પર પરીક્ષા આપવા માટે બારડોલી કોલેજમાં જતી વખતે રસ્તામાં તેને કાળ ભરખી ગયો હતો. વિદ્યાર્થિનીને બારડોલીના મોતાગામ પાસે શેરડી ભરેલી ટ્રકે અડફેટમાં લઈ કચડી નાંખતા તેણીનું ઘટનાસ્થળે જ કરૂણમોત નિપજ્યું હતું.
મળતી વિગત મુજબ કામરેજ તાલુકાના કોળી ભરથાણા ગામ નવું ફળિયામાં રહેતાં વિજય અરવિંદ પટેલ ખેડૂત છે. તેમના ૩ સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે. નાનો દીકરો ધો.૧૨માં અભ્યાસ કરે છે. જ્યારે ૨૦ વર્ષીય દીકરી ૠત્વા પટેલ બારડોલી ખાતે આવેલ ઉમરાખની વિદ્યાભારતી ટ્રસ્ટ કોલેજ ઓફ એમસીએમાં પહેલા સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે. ૠત્વાની સોમવારથી પરીક્ષા શરૂ થઇ હોય, ગઈકાલે પહેલા દિવસે ૠત્વાને પિતા વિજયભાઈ જાતે કોલેજ મૂકવા ગયા હતા. જ્યારે આજે સવારે ૠત્વા જાતે જ મોપેડ લઈને કોલેજ જવા નીકળી હતી. ૠત્વા બારડોલી તાલુકાના મોતાગામ પાસેથી પસાર થતી વખતે શેરડી ભરેલી ટ્રકના ચાલકે તેણીની અડફટેમાં લેતા અકસ્માત થયો હતો. ટ્રકના પાછળના વ્હીલમાં ૠત્વા આવી જતાં માથામાં તેમજ શરીરે ગંભીર ઇજા થવાથી સ્થળ પર જ મોત થયું હતું. ૠત્વાના મોતની જાણ થતાં ગામમાં અને કોલેજમાં શોકનું વાતાવરણ છવાયું હતું. ઘટના જાણ થતાં બારડોલી પોલીસ દોડી આવી હતી અને ટ્રકના ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી હતી.
કોલેજ પરીક્ષા રદ, વિદ્યાર્થીઓએ મૌન પાળ્યું
પરીક્ષા આપવા જતી વખતે અકસ્માતમાં મોતને ભેટનાર ૠત્વા પટેલ બારડોલીની ઉમરાખ કોલેજની આશાસ્પદ વિદ્યાર્થિની હતી. ૠત્વાના મોતને કારણે તેના પરિવારમાં શોકની કાલિમા છવાઈ છે તો સાથે કોલેજમાં પણ શોકનું વાતાવરણ ફેલાયું છે અને કોલેજ દ્વારા ગતરોજ લેવામાં આવનાર ઈન્ટરનેટ પરીક્ષા પણ આ ઘટનાને કારણે રદ કરી હતી અને વિદ્યાર્થીઓએ મૌન પાળ્યું હતું.