(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૧૪
તાજેતરમાં લેવાયેલી ધોરણ ૧ર સાયન્સની પરીક્ષામાં હવેથી ર વિષયમાં નાપાસ કે, ગેરહાજર વિદ્યાર્થીઓ કે આગામી દિવસમાં જાહેર થનારા સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ર વિષયમાં નાપાસ કે, ગેરહાજર વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા જુલાઈ માસમાં લેવાનો શિક્ષણ બોર્ડે નિર્ણય લીધો છે. અત્યાર સુધી એક જ વિષયમાં નાપાસ હોય તેવા જ વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવામાં આવતી હતી.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની યાદીમાં જણાવ્યા મુજબ માર્ચ-ર૦૧૯માં લેવાયેલ ઉચ્ચત્તર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા, (ધોરણ-૧ર) વિજ્ઞાન પ્રવાહમાં એક કે બે વિષયમાં અનુત્તિર્ણ (નાપાસ) કે ગેરહાજર હોવાના કારણે નાપાસ થયા હોઈ તેવા ઉમેદવારો જુલાઈ ર૦૧૯ની પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થઈ શકશે. એક વિષયમાં અનુત્તિર્ણ ઉમેદવારોની યાદી શાળાઓમાં મોકલી આપેલ છે જ્યારે બે વિષયમાં અનુત્તિર્ણ ઉમેદવારોની કોમ્પ્યુટર યાદી સામાન્ય પ્રવાહના પરિણામ સાથે શાળાઓમાં મોકલવામાં આવશે. તો વિજ્ઞાન પ્રવાહનમાં એક કે બે વિષયમાં અનુત્તિર્ણ ઉમેદવારોએ નિયત ફી સાથે શાળાનો સંપર્ક કરવાનો રહેશે. શાળાઓએ ઉપસ્થિત થનાર ઉમેદવારોની સહી કોમ્પ્યુટર યાદીમાં લેવાની રહેશે અને તેની નિયમ પરીક્ષા ફી ચલણથી ભરવાની રહેશે. ચલણનો નમૂનો બોર્ડની વેબસાઈટ www.gseb.org  પર મૂકવામાં આવેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યારસુધી એક જ વિષયની પૂરક પરીક્ષા લેવામાં આવતી હતી પરંતુ ચાલુ વર્ષે ૧ર સાયન્સમાં જીવ વિજ્ઞાન અને રસાયણશાસ્ત્રના પેપર ખૂબ અઘરા હોવાથી અને રસણાયશાસ્ત્રમાં અસંખ્ય વિદ્યાર્થીઓ નાપાસ થયા હોવાથી બે વિષયની પૂરક પરીક્ષા લેવા માત્ર ઉઠી હતી. જેનો બોર્ડે સહાનુભૂતિપૂર્વક વિચારી ચર્ચા વિચારણ કરી વિવાર્થીઓના હિતમાં આ મહત્ત્વનો નિર્ણય લેતા વિદ્યાર્થીઓમાં ખુશી વ્યાપી ગઈ છે.