પાટણ,તા.૭
સિદ્ધપુરની સરકારી નર્સિંગ કોલેજમાં લંપટ પ્રિન્સિપાલ મહેન્દ્ર પટેલની કરતૂતોનો ભાંડો ફૂટ્યા બાદ વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ છવાયેલો જોવા મળી રહ્યો છે. આજે આ આંદોલનને ર૦ દિવસ વિતવા છતાંય તંત્ર દ્વારા આ લંપટ પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરવામાં આવતો નથી. જોકે ગત સપ્તાહે ગાંધીનગરની ટીમ આવતા તેમને મહિલા અધિકારીની ટીમ બનાવી વિદ્યાર્થીઓના જવાબો લીધા બાદ વિદ્યાર્થીઓ દ્વારા સાત દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું ત્યારે આજે સાત દિવસ પૂર્ણ થવા છતાંય આ લંપટ પ્રિન્સિપલ મહેન્દ્ર પટેલ સામે કોઈ કાર્યવાહી ન રકરવામાં આવતા આજે ફરીવાર વિદ્યાર્થીઓ આક્રમક મૂડમાં આવી ગયા હતા અને સરકાર સામે આક્રોશ ઠાલવ્યો હતો. આ બાબતે વિદ્યાર્થીઓ દ્વારા આ અંગે સિદ્ધપુર ખાતે ગુજરાત જીઆઈડીસીના ચેરમેન બલવંતસિંહ રાજપૂતને પણ રજૂઆત કરી હતી, પરંતુ તેમ છતાંય તેઓને કોઈ સંતોષ ના મળતા અંતે વિદ્યાર્થીઓ તેમજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા નર્સિંગ કોલેજને તાળાબંધી કરવામાં આવી છે અને સોમવાર સુધીમાં નિર્ણય નહીં આવે તો સિદ્ધપુરનો હાઈવે ચક્કાજામ કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આ અરજીમાં વિદ્યાર્થીઓએ જણાવ્યું છે કે, જો અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો અમે ના છૂટકે આત્મવિલોપન કરવા મજબૂર થઈશું જે બાબતે ગંભીર નોંધ લેવા અરજીમાં જણાવ્યું છે.