(સંવાદદાતા દ્વારા) ઉના, તા.૭
ગીર-સોમનાથ જિલ્લામાં શિક્ષણાધિકારીએ અચાનક જ શાળામાં અભ્યાસ કરતા છાત્રોના અભ્યાસક્રમનો સમય સવારના ૭.૩૦થી ૧૨.૩૦ નો હોય તે બદલી અચાનક જ સમય ૧૧થી ૫નો કરતા ઉના તાલુકાના માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તથા વાલીઓમાં રોષની લાગણી વ્યાપી ગઈ હતી. અને મા.શાળાનો સમય સવારનો કરવા વાલીમંડળ સહિતના આગેવાનોએ ડે.કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવેલ તેમ છતાં પણ શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવેલ નહીં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાંથી અપડાઉન કરતા વિદ્યાર્થીઓને ૧૧થી ૫ના સમયમાં હાલાકી ભોગવવી પડતી હોય વાલીઓમાં પણ રોષની લાગણી જોવા મળી છે. ત્યારે આજરોજ ઉના તળાવ કાંઠા વિસ્તારમાં આવેલ સરસ્વતી શાળામાં અભ્યાસ કરતા ૨૫૦થી વધુ વિદ્યાર્થીઓ સવારે ૧૧ વાગ્યે શાળાએ પહોંચી ગયા હોય અને શાળાના સમયમાં ફેરફાર કરવાની માગણી કરેલ અને સવારનો સાત વાગ્યાના સમયની માગણી સાથે તમામ વિદ્યાર્થીઓ વિફર્યો હતા અને શાળાની બહાર હલ્લાબોલ કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓનો રોષ પારખી શાળાના સંચાલકો દ્વારા પોલીસને બોલાવવામાં આવેલ હતી અને વિદ્યાર્થીઓને શાળાના સમયમાં ફેરફાર થઇ થશે તેવું આશ્વાસન આપવામાં આવેલ તેમ છતાં વિદ્યાર્થીઓ પોતાની માંગણીને વળગી રહી શાળામાં પ્રવેશ્યા ન હતા અને અભ્યાસનો બહિષ્કાર કર્યો હતો. આમ, શાળાના સમયમાં માધ્યમિક શિક્ષણાધિકારી દ્વારા પરિપત્ર કરાયેલ હોય તેમાં અમે કોઇપણ ફેરફાર કરી શક્યા નહી. બહાર ગામથી આવતા વિદ્યાર્થીઓને પરેશાની થાય છે તે અમે જાણીએ છીએ જિલ્લા શિક્ષણાધિકારી પરિપત્રમાં ફેરફાર કરે તો જ સમયમાં ફેરફાર થાય તેવું શાળાના આચાર્યએ જણાવ્યું હતું.