(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૭
ગુજરાત ઉર્જા વિકાસ નિગમમાં ભરતી અંગેની અગાઉ કરાયેલી જાહેરાત રદ કરી નવા નિયમો લાગું કરવાના મામલે સંબંધિત ઉમેદવારો દ્વારા માંડવી સબ ડિવીઝન કચેરી ખાતે આવેદન સુપ્રત કરવામાં આવ્યું હતું. શહેર પોલીસ તંત્ર દ્વારા પરવાનગી આપવામાં આવી નથી. આથી મર્યાદીત શખ્સો આવેદન આપી ગયા હતા.
ગુજરાત ઉર્જા વિકાસ નિગમ દ્વારા ખાલી જગ્યા ભરવા અંગે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી. તેના આધારે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ અચાનક આ જાહેરાત રદ્દ કરવામાં આવી હતી અને નવી જાહેરાતમાં કેટલાક નવા નિયમો લાગું કરવામાં આવતા ઉમેદવારોમાં રોષની લાગણી પ્રસરી હતી. ગ્રેજ્યુએટ કક્ષાના ઉમેદવાર માટે ગ્રેજ્યુએટ ૫૫ ટકા હોવા અનિવાર્ય દર્શાવાયા હતા. આથી ઉમેદવારોમાં રોષ ફેલાયો હતો. તેના ભાગરૂપે શુક્રવારનાં રોજ બપોરે માંડવી સબ ડીવીઝન ખાતે સંબંધીત અધિકારીને આવેદન સુપ્રત કરવામાં આવ્યું હતું.