વઢવાણ, તા.૬
વિરમગામ શહેરમાં આજે સવારે ૧૧ કલાક આસપાસ ભરવાડી દરવાજા અંદર જીઇબીની ડીપી નજીક અવાવરૂ જગ્યામાં એક મહિલા અને શખ્સ ગયેલ જ્યાં મહિલા ઉપર શખ્સ દ્વારા છરી વડે હુમલો કરી છાતીના ભાગે ૩થી ૪ ઘા કરતા મહિલાએ ચીસો અને બૂમાબૂમ કરતા સ્થાનિકો અને રાહદારીઓ દોડી આવેલ જે દરમિયાન ૩ જેટલા વધુ છરીના ઘા મારતા મહિલાના હાથમાં અને છાતી ઈજાઓ પહોંચી હતી.
રાહદારીઓ દ્વારા શખ્સને પકડીને નજીકની પોલીસચોકીમાં પૂરી દીધો હતો જ્યારે મહિલા ૧૦૮ દ્વારા ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડી હતી ત્યાં તેને ૧૪ જેટલા ટાકા આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જ્યારે વિરમગામ ટાઉન પોલીસ ભરવાડી દરવાજા પો. ચોકી ખાતે આવી હુમલાખોર શખ્સની તબિયત બગડેલી જોતા વિરમગામ સરકારી હોસ્પિટલ ખાતે દાખલ કરેલ જ્યાં શખ્સ દ્વારા જંતુનાશક દવા પીધેલ હોવાનું જણાય આવેલ જ્યાં પ્રાથમિક સારવાર દરમિયાન જ શખ્સનું મોત નિપજયુ હતું.
ત્યારે સૂત્રો પાસેથી મળેલી જાણકારી આવું છે મહિલાનું નામ ગીતાબેન વિનુજી ઠાકોર (ઉંમર ૩૫ વર્ષ, રહેવાસી જુનાપાધર તાલુકો વિરમગામ) પરણિત અને ૩ સંતાનોની માતા છે ત્યારે વિનુજી ઠાકોર અસ્થિર મગજના હોય ગીતાબેન ૮ માસ પૂર્વે ગેડિયા ગામના શખ્સ સાથે પરિચયમાં આવેલી અને ટેલિફોનિક વાતચીત દરમિયાન સબંધ વધતા પોતે પણ ઠાકોર હોવાનું જણાવેલ અને પ્રેમ સંબંધ બંધાતા ગીતાબેન પતિ અને બાળકોને મૂકીને ગેડીયા ગામ રહેવા જતા રહેલ ત્યાં પ્રેમી દેવીપુજક હોવાની અને ૩ સંતાનોનો પિતા તેમજ અગાઉ બે વખત લગ્ન પણ થઇ ચૂક્યા હોવાનું જાણવા મળેલ તેમજ અન્ય શખ્સો સાથે ગીતાબેનને જબરજસ્તીથી શરીર સંબંધ બંધાવતો હોય પાંચ દિવસ પહેલા ગેડિયા ગામેથી ભોજવા ખાતે પોતાના સંબંધીના ત્યાં આવી ગયેલા ત્યારે પોતાના અને બાળકોના આધાર કાર્ડ, ચૂંટણીકાર્ડ સહિતના પુરાવા પાછા આપવા કહેતા દેવીપુજક ધરમશી ડાયાભાઈ વિરમગામ આવી ગીતાબેન કાગળ લઈ જવા ભરવાડી દરવાજા પાસે બોલાવી છરી વડે હુમલો કરાયો હોવાનું જાણવા મળે છે વિરમગામ ટાઉન પોલીસ દ્વારા આ બનાવ બાબતે ઝીણવટ ભરી તપાસ હાથ ધરવામાં આવેલ છે પોલીસ તપાસમાં શું બહાર આવે છે તે જોવું રહ્યું.