(એજન્સી) ખાર્તુમ,તા.૪
સુદાનની રાજધાની ખાર્તુમમાં મંગળવારે એક ફેકટરીના ગેસના ટેન્કસમાં વિસ્ફોટ થવાને કારણે ઓછામાં ઓછા ર૩ લોકોનાં મોત નીપજ્યા છે. જ્યારે ૧૩૦થી વધુ લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટમાં મૃત્યુ પામનારા ર૩ લોકોમાં મોટાભાગના લોકો ભારતીયો હોવાનું જાણવા મળ્યું છે. અધિકારીઓએ જણાવ્યું છે કે, ઉત્તરીય ખાર્તુમના ઔદ્યોગિક ઝોનમાં નળિયા બનાવવાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયા બાદ કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં છવાઈ ગયા હતા. કેબિનેટે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું છે કે, પ્રાથમિક અહેવાલોથી જાણવા મળ્યું છે કે, ગેસ ટેન્કરમાં વિસ્ફોટ થવાને કારણે આગ લાગી હતી. એક સમાચાર ચેનલ મુજબ, મૃતકોની સંખ્યામાં થવાની શક્યતા છે, કારણ કે કેટલાક ઘાયલોની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. અત્યાર સુધીમાં ર૩ લોકોનાં મોત નિપજ્યા હોવાની વહીવટી તંત્ર દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. જ્યારે ઘાયલ થયેલા ૧૩૦ લોકોને સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સરકારી નિવેદન અનુસાર, શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે, ફેકટરીમાં આગ બુઝાવવા માટે જરૂરી સુરક્ષા માપદંડોનો અભાવ હતો. ઉપરાંત ફેકટરીમાં પ્રાથમિક ઉપચારની પણ વ્યવસ્થા નહોતી. ઉલ્લેખનીય છે કે, સુદાનના ઔદ્યોગિક વિસ્તારોમાં આગની ઘટનાઓ સામાન્ય છે અને તેમાં જાનમાલને પણ ઘણું જ નુકસાન થાય છે.