(એજન્સી) તા.રર
યુપીના મથુરામાં તીર્થયાત્રીઓની ભીડથી અલગ એક નાનકડું ગામ ચર્ચામાં છે. અહીંની એક ગૌશાળા સુરભિ ગૌ સેવા નિકેતનમાં બીમાર અને ઘાયલ થઈ ચૂકેલી ગાયોની સારસંભાળ લેવાય છે. ૪૦ વર્ષોથી ગાયની સેવામાં જોડાયેલા કૃષ્ણભક્ત, જર્મન મહિલા ફ્રેડરિક ઈરીના બ્રૂનિંગને સરકારે પદ્મ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. બ્રૂનિંગ વિસ્તારમાં સુદેવી માતાજીના નામે ચર્ચિત છે. ફ્રેડરિક ત્યારે ૨૦ વર્ષની હતી જ્યારે તે ભારતના પ્રવાસ દરમિયાન મથુરા આવી હતી અને અહીં જ રહેવા લાગી હતી. સુદેવી દાસી કહે છે કે ભગવત ગીતામાં મેં મારા જીવન સંબંધિત અનેક સવાલોના જવાબ મેળવ્યા અને મહેસૂસ કર્યુ કે ફક્ત એક જ ગુરુ મને સાચા માર્ગે લઈ જઈ શકે છે. એટલા માટે મેં દીક્ષા લીધી અને મથુરામાં રહેવાની શરૂઆત કરી. આ દરમિયાન મેં રોડ પર રઝળતી એક ગાય જોઈ. એ ગાયની દુર્દશાએ સુદેવીને એટલી દુઃખી કરી કે તે તેને ઘરે લઈ આવી. સુદેવી કહે છે કે તેના પગ ઘાયલ થઈ ગયા હતા અને શરીરમાં કીડા પડી ગયા હતા. લગભગ ૪૦ વર્ષ પહેલા એક ગાયથી શરૂ થયેલ આ સિલસિલો હવે ૧૮૦૦થી વધુ ગાય સુધી પહોંચી ગયો છે. એક એવો સમય પણ આવ્યો જ્યારે સુદેવીએ વધારે ગાયોને ન રાખવાનો નિર્ણય કર્યો કેમ કે તેમની પાસે જગ્યા નહોતી. પરંતુ તે ખુદને રોકી ના શક્યા. આજે તે ગાયના કલ્યાણ માટે દર મહિને લગભગ ૩૦ લાખ રૂપિયા ખર્ચ કરે છે. જેનો એક હિસ્સો જર્મનીથી તેમના પિતા દ્વારા મોકલાય છે. સુદેવી કહે છે કે કૃષ્ણના નજીકના હોવાને કારણે ગાય ખાસ છે. તેની રક્ષા કરવી જોઈએ. ગાયની તુલના બાળકો સાથે કરતા સુદેવી પૂછે છે કે શું તેમને પોતાના બાળકોને મારવાની છૂટ આપવી જોઇએ. સુદેવી કહે છે કે મને લાગે છે કે ગૌરક્ષાને લઈને હિંસા ન કરવી જોઈએ. તે કહે છે કે ગાયની રક્ષા જરૂરી છે પણ તેના માટે કોઈ માનવી સાથે મારપીટ કરવી યોગ્ય નથી. કોઇનો જીવ લેવો એ યોગ્ય નથી.