(એજન્સી) નવી દિલ્હી, તા.ર૬
ભાજપના પ્રવકતા સુધાંશુ ત્રિવેદીએ યુપીએ સરકાર પર નિશાન તાકતા કહ્યું કે છેલ્લા ચાર વર્ષમાં સૌરઊર્જાના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવકતા ત્રિવેદીએ કહ્યું કે યુપીએના શાસનમાં હુર્રિયતના તમામ નેતાઓને રક્ષણ આપવામાં આવતું હતું. તેમણે કોંગ્રેસની ટિપ્પણી પર નિશાન તાક્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે ભાજપ લોકશાહીની મજાક ઉડાવી રહી છે. ત્રિવેદીએ કહ્યું કે, કોંગ્રેસે ર૬/૧૧ના મુંબઈ હુમલાના સમયે ભારતને મજાક બનાવી દીધો હતો. મોદી સરકારના ચાર વર્ષના શાસનની કોંગ્રેસના ૪૮ વર્ષના શાસન સાથે સરખામણી કરીને ત્રિવેદીએ જણાવ્યું કે, આ પ્રગતિ પત્રકમાં વિકાસ જોવા મળી રહ્યો છે કે જે છેલ્લા ૪૮ વર્ષમાં કયારેય થયો નથી. કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં ત્રિવેદીએ કહ્યું કે ૧૧ મહિના દરમિયાન ભરપૂર સૂર્યપ્રકાશ મળી રહે છે છતાંય કોંગ્રેસે આટલા વર્ષોમાં કયારેય સૌરઊર્જાના ઉત્પાદન વિશે વિચાર્યું નથી પરંતુ ભાજપે તે ચાર વર્ષમાં કરી બતાવ્યું છે. નવી દિલ્હીમાં રપ મેના રોજ ઈન્ડિયા ન્યૂઝ મંચ પરથી સંબોધન કરતી વખતે ત્રિવેદીએ તેમ પણ કહ્યું કે મોદી સરકારે બ્રિટિશ યુગના ૧ર૦૦ કાયદાઓને રદ કર્યા છે.