(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૬
રાજ્યમાં ખાંડનું ઉત્પાદન કરતી સુગર ફેક્ટરીઓની સ્થિતિ ડામાડોળ થતા અને સહકારી મંડળીઓ સાથે જોડાયેલી આ સુગર ફેક્ટરીઓને કારણે હજારો ખેડૂતોને પણ તેની અસર થતા સરકાર સમક્ષ છેલ્લા કેટલાક સમયથી રજૂઆતો થઈ રહી હતી ત્યારે રાજ્ય સરકારે આ સુગર ફેક્ટરીઓ માટે રાહતનો નિર્ણય લીધો છે. રૂપાણી સરકારની કેબિનેટે સુગર ફેક્ટરીઓ માટે રૂા.૮૦૦૦ કરોડના પેકેજને મંજૂરી આપવા સાથે ખેડૂત હિતના મહત્ત્વના નિર્ણયો લીધા છે.
ગુજરાતમાં આવેલી સુગર ફેક્ટરીઓ માટે ગુજરાત સરકારે આજે રાહત આપતો નિર્ણય લઈ સુગર ફેક્ટરીઓ માટે આઠ હજાર કરોડના પેકેજની જાહેરાત કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાતમાં ૬પ,૦૦૦ ટનની ઉત્પાદન ક્ષમતા ધરાવતા ૧૭ જેટલા ખાંડના કારખાનાઓ ચાલી રહ્યા છે. આ તમામ સુગર ફેક્ટરીઓ સહકારી ક્ષેત્ર આધારિત છે. સમગ્ર રાજ્યમાં ખેતીલાયક ૧રપ લાખ હેક્ટર જમીનમાંથી ૧.૯૦ લાખ હેક્ટર જમીનમાં શેરડીની ખેતી થાય છે. ૪.પ૦ લાખ કરતાં પણ વધારે ખેડૂતોનો સહકારી ખાંડ મંડળીના સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવેલ છે. રાજ્યમાં કેટલીક સુગર ફેક્ટરીઓ આર્થિક રીતે પડી ભાંગી હતી અને મરણતોલ સ્થિતિમાં ચાલી રહી હતી. ગુજરાત સરકાર ખેડૂતો અને સહકારી ક્ષેત્રને વધુ સક્ષમ કરવાના આશય સાથે સુગર ફેક્ટરીઓ માટે આઠ હજાર કરોડની સહાયના આર્થિક પેકેજની જાહેરાત કરી છે. આ ઉપરાંત સરકારે ખાંડનો લઘુત્તમ ભાવ ર૯ રૂપિયા કરવાનો પણ નિર્ણય કર્યો છે. આનાથી ખેડૂતો અને સુગર મીલ એમ બંને ભાવમાં ફાયદો થવાની શક્યતા જોવા મળી રહી છે. કેબિનેટે આ નિર્ણયને પણ મંજૂર રાખ્યો હતો.
ખેડૂતોની પાછલા કેટલાક વખત શેરડીના પિલાણ અને ટેકાના ભાવને લઈ સરકાર સમક્ષ માગણી પેન્ડિંગ ચાલી રહી હતી. સરકારે આ વખતે ખેડૂતોના વિશાળ હિતને ધ્યાને લઈ સુગર મીલને રાહત પેકેજ અને ખેડૂતોને શેરડીનું યોગ્ય વળતર આપવા સંબંધી ઠરાવ પાસ કર્યો હતો.