(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૩૧
સાત વર્ષની ઉંમરે માતા-પિતાના તલાક બાદ આજીવિકાનું સાધન નહીં હોવાથી વેકેશન દરમ્યાન ખાનગી કંપનીમાં નોકરી કરી આર્થિક મદદ કરનાર મુસ્લીમ વિદ્યાર્થી મોહંમદ સુહેલ ચકલાવાલાએ ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં પર્સન્ટાઇલ રેન્કથી ઉત્તીણ થઇ માતા તેમજ સમાજનું ગૌરવ વધાર્યું છે. સુહેલેની ભવિષ્યમાં સી.એ. બનવાની ઇચ્છા છે.
આજે ધો.૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું હતું. જેમાં કારેલીબાગ સરદાર વિનય શાળાનાં વિદ્યાર્થી ચકલાવાલા મોહંમદસુહેલે ૯૯.૯૬ પર્સન્ટાઇલ રેન્ક મેળવ્યા છે. મોહંમદ સુહેલ સાત વર્ષનો હતો. ત્યારે તેના માતા-પિતાના તલાક થતાં માતા ફિરોઝાબાનુ તેને પિયરમાં લઇ આવી રહેલા લાગ્યા હતાં. માતા તથા નાના-નાનીની મદદથી અભ્યાસમાં તેજસ્વી એવા મોહંમદસુહેલ સારી રીતે અભ્યાસ કરી રહ્યો હતો. પરંતુ આર્થિક સ્થિતિ સારી ન હોવાથી વેકેશન દરમ્યાન ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો.
મોહંમદસુહેલ જણાવ્યું હતું કે, મારી સફળતાનો શ્રેય અલ્લાહ તઆલા બાદ મારી માતા તથા શિક્ષકોને આપું છું. શિક્ષકોએ મારી ધો.૧૧ તથા ૧૨ ની ફી ભરી સ્ટડી મટીરીયલ્સ પણ મફત આપ્યાં હતાં. ભવિષ્યમાં કોમર્સ કરી સી.એ. બનવાની મારી ઇચ્છા છે અને દેશની આર્થિક સ્થિતિ વધુ મજબુત બનાવવા પોતાનું યોગદાન આપવાની મારી પ્રેરણા છે.
સુહેલની માતા ફિરોઝાબાનુ એ જણાવ્યું હતું કે, સુલેહ બીજા ધોરણમાં હતો. ત્યારે તેના પિતા અમને છોડીને જતા રહ્યાં હતા. ત્યારબાદ મેં જ સુહેલની માતા તથા પિતા બની પરવરીશ કરી છે. તેની જ્યાં સુધી અભ્યાસ કરવાની ઇચ્છા હશે હું તેને અભ્યાસ કરાવીશ.