અમદાવાદ, તા.૨૪
દ્વારકા જિલ્લાના બરડિયા ગામ ખાતે ઉપસ્થિત રહી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ‘સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૧૮’ને દેશનું સૌથી મોટું જળ અભિયાન ગણાવી તેનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કરતાં ઉમેર્યું હતું કે, તરસી ધરતીને તૃપ્ત કરવા માટે આરંભાયેલું આ અભિયાન તેના અંતિમ તબક્કામાં છે ત્યારે રાજ્યભરની જનતાની આ અભિયાનમાં થઇ રહેલી સામેલગીરી રાજ્યસરકાર માટે પ્રોત્સાહક પૂરવાર થઇ રહી છે. મુખ્યમંત્રીએ ‘સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૧૮’ પક્ષાપક્ષીથી પર રહીને રાજ્યની સિત્તેર ટકા જનતાના કલ્યાણ માટે ઉપાડેલા આ અભિયાન થકી આવનારી પેઢી લાભાન્વિત થશે, જે આ યોજનાની સૌથી મોટી સફળતા સાબિત થશે. રાજયના નાગરિકોને વગર રોયલ્ટીએ માટી આપવાની આ યોજનાને લોકોમાં સાંપડી રહેલા પ્રતિસાદ બદલ મુખ્યમંત્રીએ નાગરિકોનો ખરા દિલથી આભાર પ્રગટ કર્યો હતો અને આ અભિયાનથી થનારા ભવિષ્યના લાભો વર્ણવ્યા હતા અને પાણીના પુર્નવપરાશ અંગે રાજય સરકાર દ્વારા ટૂક સમયમાં જ નવી નીતિ ઘડવામાં આવશે,એવો અણસાર પણ આપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર દ્વારકા જિલ્લામાં મે માસ દરમિયાન સુજલામ્‌ સુફલામ્‌ જળ અભિયાન-૨૦૧૮ અન્વયે કામો થયેલ છે, અને ૪૩પ કામો પ્રગતિમાં છે. ૧૧ નહેરોની સફાઇ કરવામાં આવી છે. ૮૭૨ એર વાલ્વ નિરીક્ષણ અને ૮૭૨ સ્ટ્રકચર સફાઇના કામો કરવામાં આવી રહયા છે.