(એજન્સી) પટના, તા.૧૭
ચાર ઘોટાળામાં રાંચી કોર્ટમાં પહોંચેલા રાજદ નેતા લાલુ યાદવે ગુરૂવારે મુખ્યમંત્રી નીતિશકુમાર અને સુશીલ મોદીને આડેહાથે લીધા હતા. તેમણે કહ્યું કે દેશના વડાપ્રધાન અને નીતિશકુમાર ભ્રષ્ટાચાર મુદ્દે ઝીરો ટોલરન્સની વાત કરે છે પરંતુ બિહારમાં થયેલા ઘોટાળા પર ચૂપ છે. ૭૦૦ કરોડનો સુજન ઘોટાળો છે. પોલ ખુલશે તે નીતિશ-મોદીની સરકાર જશે. લાલુ યાદવે કહ્યું કે સુજન ઘોટાળામાં નીતિશકુમારની પોલ ખુલી ગઈ છે. તેથી નીતિશકુમારે પૂરના પાણીમાં ડૂબી મરવું જોઈએ. રાંચીની અદાલતમાં લાલુ યાદવ પર ૪ કેસ ચાલે છે. સુપ્રીમના આદેશ મુજબ લાલુ યાદવને દરેક સુનાવણી વખતે હાજર રહેવું પડે છે. લાલુ યાદવે કહ્યું કે સુજન ઘોટાળાની જાણકારી ર૦૧૩થી નીતિશકુમારને હતી. જેના પુરાવા પણ છે. સંજીતકુમાર નામના શખ્સે સરકારને પત્ર લખી પૈસાની ગેરકાયદેસર નિકાસની વાત રજૂ કરી હતી. તેની કોપી ૩૦ જુલાઈના રોજ બિહારના મુખ્યમંત્રીને મોકલી હતી. જેની ખબર અખબારોમાં પ્રગટ થઈ હતી. તેથી તાત્કાલિક નાણામંત્રી સુશીલ મોદીએ જેલમાં જવું જોઈએ. આ ઘોટાળો ર હજાર કરોડથી વધુનો છે. આ ઘોટાળાની જાણકારી દિલ્હીને થતાં નીતિશકુમાર મોદીની શરણમાં ચાલ્યા ગયા. આ કેસમાં ર૦ અધિકારી સંડોવાયેલા છે તેથી આ કેસની સીબીઆઈ તપાસ કરાવવાની માગણી છે. મીડિયાએ આ ઘોટાળાની તપાસ કરવી જોઈએ. જિલ્લાના એનજીઓ અને મહિલા સમિતિ બનાવી આ લૂંટને અંજામ અપાયો.
લાલુ યાદવે કહ્યું કે તેજસ્વી યાદવથી નીતિશકુમાર ડરી ગયા છે. તેથી ભાગલપુરમાં સભા કરવા દીધી નહીં અને ૧૪૪મી કલમ લગાવી દીધી. વિપક્ષના નેતાને લોકશાહી દેશમાં સભા કરવા ન દેવી તે લોકશાહીની હત્યા સમાન છે.
લાલુ યાદવે કહ્યું કે બિહારમાં પૂરની સ્થિતિ વિસ્ફોટક છે. લોકો રામ ભરોસે જીવી રહ્યા છે. લોકો ભૂખે મરે છે ત્યારે પૂર બાદ ઘઉં આપવાની વાત હાસ્યાસ્પદ છે. રાજદના કાર્યકરોને સહાયતા માટે કહેવાયું છે.
લાલુ યાદવે નીતિશકુમાર પર આરોપ મૂકતા કહ્યું કે નીતિશકુમાર બીજી દુનિયાના પ્રાણી નથી કે ઘોટાળો ન કરે. નીતિશે ૭૦૦ કરોડનો સુજન ઘોટાળો કર્યો છે.
૩ ઓગસ્ટના રોજ ૧૦ કરોડનો સરકારી ચેક બાઉન્સ થયો હતો. ત્યારે આ સુજન ઘોટાળો સામે આવ્યો હતો. મહિલાઓને કામ આપનાર એનજીઓને સરકાર દ્વારા પૈસા મળતા હતા જે એનજીઓના ખાતામાં સીધા જમા થતા હતા. આ કાંડની માસ્ટરમાઈન્ડ મનોરમા દેવી છે. જેના પુત્ર અમિત અને ભાજપ નેતા વિપિન શર્મા પર ધાંધલીનો આરોપ લાગ્યો છે. આ વાતની પુષ્ઠિ ત્યારે થઈ જ્યારે બંને નેતાઓએ ભાજપ સાંસદ નિશીકાંત દૂબેની જમીન પર મોલમાં બનેલી દુકાનોની બુકીંગ કરાઈ. જે વાત દુબેએ પણ કબૂલી છે. તે માટે ૧૩ લાખ રૂપિયા પણ આપ્યા છે. વિવાદ પછી વિપીન શર્મા ફરાર ચાલી રહ્યા છે. પોલીસ લગાતાર તપાસ કરી રહી છે. ભાજપ સાંસદે તેમના નામની ચર્ચા અંગે નારાજગી વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે મનોરમા દેવીએ લોકોને પૈસા આપ્યા હતા. તે પૈસાથી બેંકોમાં નાણાં જમા કરાવ્યા હતા. વિપીન શર્માએ મનોરમા દેવીના મોત બાદ પૈસા આપવાનો ઈન્કાર કર્યો હતો તેથી પુત્ર અમિતકુમાર અને તેના વચ્ચે વિવાદ થયો. ત્યારબાદ અમિત પૈસા આપવાની હાલતમાં ન હતો ત્યારે બેંક પાસે ચેક બાઉન્સ કરવા લાચાર થઈ ગયો.