(એજન્સી) તા.ર૩
સરકારની મુખ્ય પોષણ યોજના હેઠળ શાળાના બાળકોને સૂકી રોટલી અને મીઠું ખાવાની ફરજ પાડવામાં આવી હતી. દેશને પ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાની ડંફાશો વચ્ચે આ ઘટનાનો વીડિયો વાયરલ થતા દેશ માટે શર્મનાક પરિસ્થિતિ ઉભી થઈ હતી. આ વાયરલ વીડિયોમાં ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરની શાળાનો છે. જયાં બાળકોને મધ્યાહન ભોજન યોજના હેઠળ જમવા માટે સૂકી રોટલી અને મીઠુું આપવામાં આવ્યું હતું. આ અત્યંત ગંભીર ઘટના મુદ્દે રાજયની યોગી આદિત્યનાથ સરકારે આડે હાથ લેતા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટવીટ કર્યું હતું કે, શાળાના બાળકોને મધ્યાહન યોજનાના ભાગરૂપે મીઠું અને રોટી આપવામાં આવે છે. આ યુપીની ભાજપ સરકારનું વાસ્તવિક ચિત્ર છે. સરકારી સુવિધાઓ દિન-પ્રતિદિન કથળતી જાય છે. બાળકો સાથે થઈ રહેલો આ વ્યવહાર નીંદનીય છે. આ ઘટનાના કારણે વૈશ્વિક સ્તરે શરમજનક સ્થિતિમાં મુકાયા પછી મીર્ઝાપુરના ડિસ્ટ્રિકટ મેજિસ્ટ્રેટ અનુરાગ પટેલે કહ્યું હતું કે તેમણે આ ઘટનાનો વીડિયો વાયરલ થયા પછી બે લોકોને સસ્પેન્ડ કરી દીધા છે.