(એજન્સી) નવી દિલ્હી, તા.રપ
લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજને જણાવ્યું હતું કે, રાજકારણમાં પ્રિયંકા ગાંધી વાડ્રાનો પ્રવેશ દર્શાવે છે કે, કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી એકલા રાજકારણ સાચવી શકતા નથી અને તેમને તેમની બહેનની મદદની જરૂર છે. મૂળ ભાજપના નેતા મહાજને જણાવ્યું હતું કે, કુશળ વ્યક્તિને આગળ આવવાની તક આપવી જોઈએ. છેલ્લા કેટલાક વર્ષોથી અટકળો બાદ અંતે પ્રિયંકાએ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને ગત બુધવારે તેની સત્તાવાર ઘોષણા પણ કરવામાં આવી હતી. તેમને પૂર્વ ઉત્તરપ્રદેશની જવાબદારી સોંપવામાં આવી હતી. સુમિત્રા મહાજને જણાવ્યું હતું કે, પ્રિયંકા સારી મહિલા છે પણ રાહુલે સમજવું જોઈએ કે, તેમના એકલાથી રાજકારણ સંભાળી શકાશે નહીં. જેથી તેમણે મદદ માટે પોતાની બહેનને કહ્યું હું કોંગ્રેસના ફેમિલી રાજકારણમાં પડવા માંગતી નથી પણ નેતૃત્વની ક્ષમતા ધરાવતી વ્યક્તિને આગળ આવવાની તક આપવી જ જોઈએ.