(એજન્સી) ભોપાલ, તા. ૩
લોકસભાના પૂર્વ સ્પીકર સુમિત્રા મહાજને એવો ખુલાસો કર્યો છે કે, ખુદ ભાજપની સરકારને જ શરમાવવાનો વારો આવે. મધ્યપ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણની ભાજપ સરકાર હતી ત્યારે ભાજપના વરિષ્ઠ નેતા સુમિત્રા મહાજન ઇન્દોરની સમસ્યાઓના મુદ્દા ઉઠાવવા કોંગ્રેસના નેતાઓને અનુરોધ કરતા હતા કારણ કે તેઓ પોતાની જ મધ્યપ્રદેશ સરકાર બોલી શકતા ન હતા. સુમિત્રા મહાજને કહ્યું છે કે, તેમની પાર્ટી ભાજપ મધ્યપ્રદેશમાં સત્તામાં હતી ત્યારે તેમણે ઇન્દોરની સમસ્યાઓ ઉઠાવવા માટે કોંગ્રેસના નેતાઓની મદદ લેવી પડતી હતી. તેમણે આ અંગે દલીલ આપી હતી કે, ભાજપના શિષ્ત સાથે બંધાયેલી હોવાથી તેઓ પોતાની પાર્ટીની તત્કાલિન સરકારની નીતિઓ સામે જાહેરમાં કાંઇ કહી શકતા ન હતા. રાજ્યપાલ લાલજી ટંડનની હાજરીમાં ઇન્દોરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ૭૬ વર્ષના પૂર્વ લોકસભા સ્પીકર અને આઠ વખતના ઇન્દોરના સાંસદ સુમિત્રા મહાજને કહ્યું કે, જ્યારે મારી સરકાર સત્તામાં હતી ત્યારે તેની વિરૂદ્ધ હું બોલી શકતી ન હતી. પણ જ્યારે મને લાગતું હતું કે, ઇન્દોરના કલ્યાણ માટે કેટલાક મુદ્દા ઉઠાવવાની જરૂર છે ત્યારે હુંં કોંગ્રેસના ધારાસભ્યો જીતી પટવારી અને તુલસી સાવંતને આ મુદ્દા ઉઠાવવા અનુરોધ કરતી હતી. તેમણે કહ્યું કે, ઇન્દોરના મુદ્દા ઉઠાવવાનો કોંગ્રેસી નેતાઓને અનુરોધ કરવા દરમિયાન એ વાતનો પણ ખ્યાલ રાખતી હતી કે, મુદ્દા ઉઠાવાતા હોય ત્યારે શિવરાજસિંહ ચૌહાણનું ઉચ્ચ સ્તરે ખ્યાલ રાખતી હતી. કોંગ્રેસના નેતાઓ હંમેશા મારો અવાજ સાંભળતા હતા કારણ કે જ્યારે ઇન્દોરની વાત આવે ત્યારે અમે પાર્ટી લાઇનથી અલગ વિચારો રાખતા હતા. કમલનાથ સરકારમાં શિક્ષણ મંત્રી જીતી પટવારીની પ્રશંસા દરમિયાન મહાજને એવું પણ કહ્યું કે, ઇન્દોરના કાર્યક્રમમાં જતી હતી ત્યારે કોઇએ મને કહ્યું કે જીતુભૈયા તમારા પ્રત્યે માન ધરાવે છે. ઉલ્લેખનીય છે કે, ભાજપે ૨૦૦૩-૨૦૧૮ દરમિયાન મધ્યપ્રદેશમાં ૧૫ વર્ષ સુધી શાસન કર્યું હતું. આ ૧૫ વર્ષમાં ૨૦૦૫થી ૨૦૧૮ દરમિયાન શિવરાજસિંહ ચૌહાણની આગેવાનીવાળી ભાજપની સરકારે શાસન કર્યું હતું.