અમદાવાદ, તા.૩૦
સુમુલ દ્વારા દૂધ ઉત્પાદકોની કરાઈ રહેલી ઉઘાડી લૂંટ અને છેતરપિંડીના વિરોધમાં આદિવાસી એકતા અને વિકાસ આંદોલન દ્વારા આવતીકાલ તા.૩૧/૫/૧૮ને ગુરૂવારે વ્યારા ખાતે વિશાળ રેલી અને સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. દૂધ ઉત્પાદકોને ચૂકવાતા ઓછા ભાવ, વિવિધ ઉત્પાદકોના નફાની ચૂકવણીમાં વિલંબ, આવક-જાવકનો હિસાબ ન આપવો, સભાસદોના નાણાની ગામેગામ બાંકડાઓ મૂકવા અને મોંઘી ગાડીઓ ખરીદવી, કરોડોના ખર્ચે સરકારી કાર્યક્રમો કરવા જેવા પ્રશ્નોને લઈ સભાસદોમાં વ્યાપેલો અસંતોષ જ્વાળામુખી બની બહાર આવતા સુમુલ દ્વારા કરાતી ઉઘાડી લૂંટના વિરોધમાં આ સંમેલન આયોજિત કરાયું છે. આદિવાસી એકતા અને વિકાસ આંદોલન દ્વારા જણાવાયું છે કે, છેલ્લા કેટલાક સમયથી દૂધ ઉત્પાદકોની આ સહકારી મંડળીમાં દૂધ ઉત્પાદકોની ઉઘાડી લૂંટ થતી હોય તે રીતે નિર્ણયો લેવાય છે. દૂધ ઉત્પાદકો બધુ જ જાણતા હોવા છતાં પોતાની ‘સુમુલ’ના હિતમાં મૂંગે મોઢે સહન કરતા આવ્યા છે. ‘સુમુલ’ દ્વારા દૂધ ઉત્પાદકોને ૧ લિટર દૂધ પેટે સામાન્ય રીતે રૂા.ર૦થી રૂા.૩૦ની વચ્ચે ચુકવણી કરવામાં આવે છે જ્યારે ગ્રાહકોને ૧ લિટરે દૂધના પ૦થી પ૬ના ભાવે વેચવામાં આવે છે જે અન્યાયી છે. ‘સુમુલ’ દૂધમાંથી દહીં, ઘી, પનીર, ચીઝ, માખણ, દૂધનો પાઉડર બનાવીને બજારમાં મોટાપાયે વેચાણ કરે છે. જેમાં દૂધના પાઉચ કરતા વધુ નફો મળતો હોય છે તો દૂધ ઉત્પાદકોને આ નફાનું ચુકવણું કયારે કરાશે ? ‘સુમુલ’ની છેલ્લામાં છેલ્લી બનાવટ એટલે છાશ. જે બજારમાં ૧ લિટરના રૂા.૨૬ના ભાવે વેચાય છે. એટલે કે, દૂધ ઉત્પાદકના દૂધના ભાવ કરતા પણ છાશના ભાવ વધારે ત્યારે એ સમજાતું નથી કે, દૂધમાંથી છાશ બને છે કે છાશામાંથી દૂધ ? શું દૂધ ઉત્પાદકોના દૂધના ‘ફેટ’ છાશના ફેટ કરતા પણ ઓછા હશે ? ‘સુમુલ’ દ્વારા ચલાવવામાં આવતી દાણ ફેક્ટરીઓ આઈસ્ક્રીમ પ્લાન્ટ તેમજ નવી પારડી ખાતેના બેકરી પ્લાન્ટનો દર મહિનાનો આવક-જાવકનો હિસાબ કરી સભાસદોને નફાની ચૂકવણી કયારે કરવામાં આવશે ? સરકારી શાળાઓમાં આપતા મધ્યાહન ભોજન માટે સુખડી પૂરી પાડવાનો કોન્ટ્રાક્ટ ‘સુમુલ’ દ્વારા લેવામાં આવેલ છે. જેને દર મહિનાનો આવક-જાવકનો હિસાબ આપી નફાનું ચુકવણું સભાસદોને કયારે કરવામાં આવશે ? ‘સુમુલ’ દ્વારા ગાય અને ભેંસના દૂધ માટે ફેટ દીઠ દૂધ ઉત્પાદકોને અલગ અલગ ભાવ ચૂકવવામાં આવે છે જ્યારે આ બંને પ્રકારના દૂધ મીક્ષ ભરીને બજારમાં એક જ પ્રકારના ઊંચા ભાવેથી વેચવામાં આવે છે તો દૂધ ઉત્પાદકો સાથે અન્યાય કેમ ? ‘સુમુલ’ પાસે આવકના અનેક સ્ત્રોત જેમ કે દૂધ, દહી, માખણ, પનીર, ઘી, ચીઝ, આઈસ્ક્રીમ, બેકરીની વસ્તુઓ, દૂધ પાઉડર, સુખડી, સુમુલદાણ વગેરે-વગેરે બજારમાં ખૂબ ઊંચા ભાવે વેચાય છે અને સુમુલની છેલ્લામાં છેલ્લી બનાવટ છાશ પણ બજારમાં ૨૬ રૂપિયા પ્રતિ લિટરે વેચાય છે તો દૂધ ઉત્પાદકોને દૂધના ભાવ કેમ નહીં ? આ ઉપરાંત સુમુલ દ્વારા સભાસદોને ગાય/ભેંસ ખરીદવા માટે લોન આપવામાં આવે છે. જે ઢોરની કિંમત સામાન્ય રીતે હોય તેના કરતા બમણી કિંમત લગાડવામાં આવે છે. વગર વ્યાજની લોનના નામે સભાસદોનું શોષણ કરવામાં આવે છે તેમજ ગાય/ભેંસ સુમુલ દ્વારા નક્કી કરેલા ચોક્કસ વેપારી પાસેથી જ ખરીદવાનો આગ્રહ રાખવામાં આવે છે. આ આક્ષેપો કરી માગણી કરવામાં આવી છે કે, આદિવાસીઓની જીવાદોરી સમાન વ્યારા અને માંડવી આ બંને સુગર ફેક્ટરીઓને ચાલુ કરાવો. વીજ કંપની દ્વારા ઘર વપરાશ અને ખેતી વિષયક વીજળી પર થતી ઉઘાડી લૂંટને તાત્કાલિક બંધ કરાવવી, તેમજ ખેતી વિષયક વીજ પુરવઠો આઠ કલાકને બદલે ૧ર કલાક આપવો, જળ-જંગલ-જમીનના આદિવાસીઓના કાયમી અધિકાર આપવા તેમજ યુવા શિક્ષિત બેરોજગારને રોજગાર અથવા બેરોજગાર ભથ્થુ આપવું.