(એજન્સી)નવી દિલ્હી, તા. ૩
કોંગ્રેસના નેતા શશી થરૂરે તેમની પત્ની સુનંદા પુષ્કરના મોતના ૨૦૧૪ના કેસમાં ધરપકડ સામે સુરક્ષા આપવા માટે દિલ્હીની કોર્ટમાં અપીલ કરી છે. ભૂતપૂર્વ પ્રધાનને કોર્ટ દ્વારા શુક્રવારે બોલાવવામાં આવ્યા છે. કોર્ટે ગયા મહિને ચાર્જશીટની નોંધ લઇને જણાવ્યું હતું કે આત્મહત્યા કરવા માટે પ્રોત્સાહન આપવા અને ક્રૂરતાના આરોપો અંગે તેમની સામે ખટલો ચલાવવાના પુરતા પુરાવા છે. ખાસ જજ અરવિંદ કુમારે થરૂરની અપીલનો જવાબ આપવાનું પોલીસને જણાવ્યું છે. તેમની અરજી પર આવતીકાલે બુધવારે સુનાવણી કરવામાં આવે તેવી શક્યતા છે. ૫૧ વર્ષીય સુનંદા પુષ્કર, ૨૦૧૪ની ૧૭મી જાન્યુઆરીએ દિલ્હીની એક ફાઇવ સ્ટાર હોટલના સૂટમાં મૃત્યુ પામેલી મળી આવી હતી. પોલીસ દ્વારા સુનંદા પુષ્કરના છેલ્લા મેઇલ્સ અને સોશિયલ મીડિયા પર તેમના મેસેજિસને સુનંદાના ડાઇંગ ડિક્‌લેરેશન તરીકે લેવામાં આવ્યા છે. આ કેસમાં કોર્ટમાં રજૂ કરવામાં આવેલી ૩,૦૦૦ પાનાની ચાર્જશીટમાં આરોપી તરીકે માત્ર શશી થરૂરનું નામ છે. પોતાની અપલીમાં રાજકારણીએ જણાવ્યું છે કે કોઇ ધરપકડ કર્યા વગર ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. કાયદો બિલકુલ સ્પષ્ટ છે કે જો કોઇની ધરપકડ કર્યા વગર ચાર્જશીટ રજૂ કરવામાં આવી હોય તો, તેના જામીન મંજૂર કરવા જોઇએ. થરૂરના વકીલે જણાવ્યું કે અમે ૭મી જુલાઇએ કોર્ટમાં ઉપસ્થિત થઇ શકીએ તેના માટે અમે માત્ર સુરક્ષા મેળવવા માટે અપીલ કરી છે.