(એજન્સી)
નવી દિલ્હી, તા. ૨૦
સીબીઆઇ વિરૂદ્ધ સીબીઆઇ કેસમાં સેન્ટ્રલ વિજિલન્સ કમીશન (સીવીસી)ના રિપોર્ટ પર સીબીઆઇના ડિરેક્ટર આલોક વર્માનો જવાબ એક ન્યૂઝ વેબસાઇટ પર લીક થવાથી રોષે ભરાયેલા સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ આ કેસની મંગળવારે હાથ ધરવામાં આવેલી સુનાવણી ૨૯મી નવેમ્બર સુધી મોકૂફ રાખી છે. ચીફ જસ્ટિસે આલોક વર્માનો જવાબ મીડિયામાં લીક થવા અંગે પોતાની નારાજગી પણ વ્યક્ત કરી હતી. વર્માનો ગુપ્ત જવાબ લીક થવા બદલ પિત્તો ગુમાવેલા ચીફ જસ્ટિસ રંજનગોગોઇએ આકરી ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે તમારામાંથી કોઇ પણ સુનાવણીને લાયક નથી.
મંગળવારે કોર્ટમાં સુનાવણી શરૂ થતાંની સાથે જ ચીફ જસ્ટિસ ગોગોઇએ આલોક વર્માના વકીલ ફલી એસ.નરીમાનને નકલોનો એક સેટ સુપરત કરતા રોષમાં જણાવ્યું હતું કે તમે બારના વરિષ્ઠ સભ્ય છો. સંસ્થાના એક આદરણીય વરિષ્ઠ સભ્ય તરીકે તમે શું કહો છો ? અમને મદદ કરજો. જો તમને જવાબ આપવા માટે સમય જોઇતો હોય તો અમે અન્ય કેસ પ્રથમ હાથ ધરી શકીએ… નરીમાનને ચીફ જસ્ટિસ દ્વારા સુપરત કરવામાં આવેલા દસ્તાવેજો ધ વાયર વેબસાઇટ પર પ્રસિદ્ધ થયેલા એક રિપોર્ટની નકલો હતી.
બાર અને બેંચની વેબસાઇટ દ્વારા ચીફ જસ્ટિસને એમ કહેતા ટાંકવામાં આવ્યા છે કે કાઉન્સેલની અક્ષમતાને કારણે અમે તમને મદદ કરવા અસમર્થ છીએ. અમે જાણવા માગીએ છીએ કે આ શું થઇ રહ્યું છે ? આ એવું પ્લેટફોર્મ નથી જ્યાં લોકો આવે અને તેઓ શું ઇચ્છે છે તે વ્યક્ત કરે. અમે આને બરાબર કરીશું. આ બાબતે ભારે ગુપ્તતા જાળવવી જોઇતી હતી અને આ દાવેદારે દસ્તાવેજો લઇને પ્રત્યેક સાથે તેને શેર કર્યો. આસંસ્થા માટે અમારો આદર કેટલાક વિચિત્ર કારણસર કોઇની સાથે શેર કરાય નહીં. આલોક વર્માના વકીલ નરીમાન પણ ગુપ્ત જવાબ લીક થવા અંગે રોષમાં હોવાનું લાગ્યું હતું પરંતુ તેમણે જણાવ્યું કે તેઓ પણ જાણતા નથી કે આ બાબત મીડિયામાં કેવી રીતે લીક થઇ. ત્યાર પછી ચીફ જસ્ટિસે એવી જાહેરાત કરી હતી કે કેટલાક કારણસર આને રેકોર્ડ કરવાની જરૂર નથી. અમે સુનાવણી કરવા માગતા નથી. જ્યારે નરીમાને જણાવ્યું હતું કે આ બાબત મીડિયામાં લીક થવાથી તેઓ પણ હેરાન છે. નરીમાને આ બાબતને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. નરીમાને ચીફ જસ્ટિસને કહ્યું કે ધ વાયરનો આર્ટિકલ સીવીસીને આપેલા જવાબ વિશે છે અને સુપ્રીમકોર્ટના જવાબ પહેલા આ આર્ટિકલ્સ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. તેમણે એવું પણ કહ્યું કે ધ વાયરમાં પ્રસિદ્ધ કરાયેલી વાર્તા વર્ગીકૃત નથી. નરીમાને એવું પણ કહ્યું કે અમે શું કરીએ, અમારી આસપાસ દરેક વ્યક્તિ જાસૂસી કરી રહી છે અને કોઇક કે થોડીક માહિતી મેળવવાનો પ્રયાસ કરે છે. ત્યાર પછી કોર્ટે તેમની આકરી ફટકાર લગાવી હતી.
નોંધનીય છે કે, આલોક વર્માએ સોમવારે તેમના પર મુકવામાં આવેલા ભ્રષ્ટાચારના આરોપો અંગે સીવીસીના પ્રાથમિક રિપોર્ટ પર સીલબંધ કવરમાં પોતાનો જવાબ સુપ્રીમકોર્ટને સુપરત કર્યો છે. ૧૬મી નવેમ્બરે સુપ્રીમકોર્ટે જણાવ્યું હતું કે સીવીસીએ પોતાના તપાસ રિપોર્ટમાં કેટલીક અત્યંત પ્રતિકૂળ ટિપ્પણીઓ કરી છે અને સીવીસી કેટલાક આરોપોની વધુ તપાસ કરવા માગે છે, તેથી તેને થોડોક સમય જોઇએ છે. નોંધનીય છે કે, સીબીઆઇના સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાનાએ આલોક વર્મા સામે બે કરોડ રૂપિયાની લાંચ લેવાનો આરોપ મુક્યો હતો.

ધ વાયર વેબસાઇટે ખુલાસો કર્યો

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૦
સીબીઆઇ વિરૂદ્ધ સીબીઆઇ કેસમાં સીવીસીના ગુપ્ત રિપોર્ટ પર સીબીઆઇના ડિરેક્ટર આલોક વર્માના જવાબ મીડિયામાં લીક થવા અંગે ધ વાયર વેબસાઇટે એવો ખુલાસો કર્યો છે કે વેબસાઇટનો રિપોર્ટ સેન્ટ્રલ વિજિલન્સ કમીશન (સીવીસી) દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોનો વર્માના જવાબ પર આધારિત છે, સુપ્રીમકોર્ટમાં વર્માએ સુપરત કરેલા જવાબ પર આધારિત નથી. ધ વાયરના તંત્રી સિદ્ધાર્થ વર્દરાજને ટિ્‌વટ કર્યું કે આ ખુલાસો કરવામાં આવે છે કે ધ વાયરની વાર્તાઓ સીવીસી દ્વારા આલોક વર્માને પૂછવામાં આવેલા પ્રશ્નોનો આલોક વર્માનો જવાબ છે. આ આલોક વર્માએ સુપ્રીમકોર્ટને સીલબંધ કવરમાં સુપરત કરેલા જવાબ નથી અને આ જવાબ સુપ્રીમકોર્ટ માટે નથી. આલોક વર્માએ સીલબંધ કવરમાં સુપ્રીમકોર્ટમાં સુપરત કરેલા સીવીસીના ફાઇનલ રિપોર્ટનો જવાબ નથી. અમે એ જવાબો જોયા નથી.