(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૬
ગુજરાત રાજ્યમાં ભારતીય ચૂંટણી પંચ તરફથી તા.૧/૯/ર૦૧૯થી મતદાર ચકાસણી કાર્યક્રમની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરીની સમીક્ષા માટે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાએ ગતરોજ ગુજરાત રાજ્યની મુલાકાત લીધી હતી. મતદાન ચકાસણી કાર્યક્રમ હેઠળ ગુજરાત રાજ્યમાં ૯૯.પ૪ ટકા જેટલી કામગીરી પૂર્ણ થયાનું જાણી મુખ્ય ચૂંટણી કમિશનરે સંતોષ વ્યક્ત કર્યો હતો. ભારતના ચૂંટણીપંચના મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાએ ગતરોજ અમદાવાદ ખાતે ભારતના ચૂંટણીપંચ તરફથી શરૂ કરવામાં આવેલ મતદાર ચકાસણી કાર્યક્રમની કામગીરીની મુખ્ય નિર્વાચન અધિકારી ગુજરાત તથા જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી. મતદાર ચકાસણી કાર્યક્રમ હેઠળ ગુજરાત રાજ્યમાં ૯૯.પ૪% જેટલી કામગીરી પૂર્ણ થયેલ છે. આ કામગીરીથી મુખ્ય ચૂંટણી કમિશનરે સંતોષ વ્યક્ત કર્યો હતો અને બાકી રહેતી કામગીરી પૂરી કરવા માટે જરૂરી માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું. આ બેઠકમાં મુખ્ય ચૂંટણી કમિશનરે વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગ મતદારો અને આવશ્યક સેવાના કર્મચારીઓ માટેની ટપાલ મતપત્રની સુવિધા અંગેની ચર્ચા કરી મહત્તમ સંખ્યામાં લાયક નાગરિકોને આ સુવિધા પૂરી પાડવામાં આવે તે પર ભાર મૂક્યો હતો. વધુમાં મુખ્ય ચૂંટણી કમિશનરે સ્વીપ પ્રવૃત્તિ વધુ અસરકારક રીતે અને જેતે વિસ્તારની જરૂરિયાત મુજબ નાવિન્યસભર રીતે અમલમાં મૂકવામાં આવે તે જોવા પણ સૂચનો કર્યા હતા. આ બેઠકમાં ભારતના ચૂંટણીપંચના સિનિયર અધિકારીઓ ઉમેશ સિંહા (સેક્રેટરી જનરલ), ડી.જી. શર્મા (ડાયરેક્ટર જનરલ, ચૂંટણી ખર્ચ નિયંત્રણ) તેમજ સુશ્રી મોના શ્રીનિવાસ (ડાયરેક્ટર) પણ હાજર રહ્યા હતા. ઉપરાંત બેઠકમાં ગુજરાત રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી ડૉ. એસ. મુરલી ક્રિષ્ણા, અશોક માણેક (અધિક મુખ્ય નિર્વાચન અધિકારી, શ્રી એસ.એમ. પટેલ (અધિક મુખ્ય નિર્વાચન અધિકારી, જિલ્લા ચૂંટણી અધિકારીઓ વગેરે હાજર રહ્યા હતા.
ગુજરાતમાં મતદાન ચકાસણી કાર્યક્રમ હેઠળ ૯૯.પ૪ ટકા જેટલી કામગીરી પૂર્ણ

Recent Comments