(એજન્સી) તા.૯
ઉત્તરપ્રદેશના શ્રમ કલ્યાણ પરિષદ મંત્રી સુનિલ ભરાલાએ હિન્દુ પરિવારોને બાળકોને જન્મ આપવા અંગે એક વિવાદિત નિવેદન આપ્યું છે. એક તરફ જ્યાં કેન્દ્ર સરકાર વસ્તી નિયંત્રણ કાયદો લાવવાની વાત કરી રહી છે ત્યાં યુપીના મંત્રીનું કહેવું છે કે, હિન્દુ સમાજમાં અમે બે અમારા બે નથી ચાલી રહ્યું પરંતુ અમે બે અમારા એક ચાલી રહ્યું છે જ્યારે અમે બે અમારા પાંચ હોવું જોઈએ. ભરાલાએ હિન્દુ પરિવારોને ત્રણ બાળકોને જન્મ આપવાની સલાહ આપી છે. ભરાલાનું કહેવું છે કે, આજે સમાજમાં માત્ર બે બાળકોને જન્મ આપવાની માંગ ઉઠી રહી છે. જો કે, અત્યારે એવો કોઈ કાયદો નથી પરંતુ વધુ પડતા હિન્દુ પરિવાર એક જ બાળક સુધી સિમિત થઈ ગયા છે. શનિવારે ઈદરીશપુર ગામમાં એક લગ્ન સમારોહમાં પહોંચેલા સુનીલ ભરાલાએ જણાવ્યું કે, સમાજ માંગ કરી રહ્યું છે. આજકાલ લોકો કહી રહ્યા છે કે બે બાળકનો કાયદો લાવવામાં આવે પરંતુ આજકાલ હિન્દુ પરિવાર એક પર જ અટકી ગયો છે. આવામાં હિન્દુઓએ ત્રણ બાળકો રાખવા જોઈએ. અમે બે અમારા ત્રણ એટલે પાંચ જેમાં એક પુત્રી પણ જરૂરી હોય. ભરાલાએ આગળ જણાવ્યું કે, આવામાં નાના, નાની, ફૂઈ, ફૂવા, મામા, મામી આ સંબંધો કયાંથી આવશે. ઉન્નાવની ઘટના પર વાત કરતા મંત્રીએ જણાવ્યું કે, આ ઘટના જે ઉન્નાવની છે તેની પર અમારી સરકાર ગંભીરતાથી તપાસ કરી રહી છે કે જે અપરાધી હતા તેમને જામીન કેવી રીતે મળી અને કઈ રીતે પીડિતાનું અવસાન થયું. આ ખૂબ જ દુઃખદ છે. તેમને સખ્ત સજા આપવામાં આવશે. ભરાલાએ જણાવ્યું કે, લોકતંત્રમાં દરેકને પોતાનો અવાજ ઉઠાવવાનો હક છે. ઉન્નાવ કેસમાં પ્રિયંકા ગાંધી પીડિતોને મળી રહી છે. પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ઘરણા આપ્યા તો બસપા સુપ્રિમો રાજ્યપાલને મળવા ગયા છે. એટલું જ નહીં હૈદરાબાદ એન્કાઉન્ટરનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે, હૈદરાબાદ દુષ્કર્મ કાંડ ટીકાપાત્ર છે પરંતુ પોલીસે જે કર્યું તે પ્રશંષનીય છે.