એડિલેડ,તા.૭
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસકર ટીમ ઇન્ડિયાના ઓપનલ કેએલ રાહુલના સતત ખરાબ ફોર્મથી નારાજ છે. તેણે પોતાની નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે, જો આ બેટ્‌સમેન બીજી ઇનિંગમાં પણ રન ન બનાવે તો તેને ટીમમાંથી બહારનો રસ્તો બતાવવો જોઈએ. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં રાહુલ માત્ર ૨ રન બનાવીને આઉટ થયો હતો. આમ ટીમ ઇન્ડિયાને ફરી એક વખત ખરાબ શરૂઆત કરી હતી.
ગાવસકરે કહ્યું, કેએલ રાહુલ જો આ મેચની બીજી ઇનિંગમાં પણ રન ન બનાવે તો તેને ટીમમાંથી બહારનો રસ્તો બતાવવો જોઈએ. તેની પાસે હવે આત્મવિશ્વાસ નથી બચ્યો. એક સમયે એ એવો ખેલાડી હતો જ્યારે પૂરા આત્મવિશ્વાસ સાથે બેટિંગ કરતો હતો પરંતુ હવે તે એવો જોવા મળી રહ્યો નથી. તે સતત એક્રોસ ધ લાઈન રમે છે. તેનામાં ઓફ સ્ટમ્પના બહારના બોલને રમવાને લઈને અનિશ્ચિતતા હોય છે. તેનામાં કોઈ સુધારો જોવા નથી મળી રહ્યો.
ગાવસકરે કહ્યું કે, ભારતના બેટ્‌સમેન છેલ્લે કરેલી ભૂલોમાંથી શીખવા નથી માગતા અને તે વારંવાર ભૂલ કરે છે અને વારંવાર એક જ રીતે આઉટ થાય છે. જ્યારે બોલ બેટથી દૂર હોય ત્યારે જ ડ્રાઈવ મારવાનો પ્રયત્ન કરે છે. આ તમામ શોટ્‌સ એવા છે જે સફેદ બોલના ક્રિકેટના શોટ્‌સ છે.