નવી દિલ્હી, તા.૧૭
ભારતમાં ક્રિકેટ ખેલાડીઓ અને પ્રશંસકોનો ખૂબ જ નાજુક સંબંધ છે. જો ખેલાડીએ શાનદાર પ્રદર્શન કર્યું તો પ્રશંસકો તેને રાતોરાત સ્ટાર બનાવી દે છે અને જો સ્ટાર ખેલાડીએ ખરાબ પ્રદર્શન કર્યું તો સમજો તેની ખેર નહીં. કંઈક આવું જ ઈંગ્લેન્ડ વિરૂદ્ધ બીજી વન-ડેમાં થયું. પૂર્વ કપ્તાન અને ભારતને બે વખત વિશ્વકપ અપાવનાર ધોનીએ ધીમી બેટીંગ કરી અને પ્રશંસકોએ તેને ટ્રોલ કરી દીધો ત્યાં સુધી કે કપ્તાન કોહલીને ધોનીના બચાવમાં ઉતરવું પડ્યું. હવે ભારતના વધુ એક પૂર્વ કપ્તાન અને લીટર માસ્ટરના નામથી પ્રખ્યાત સુનીલ ગાવસ્કરે ધોનીનો બચાવ કરતા કહ્યું કે દબાણમાં મોટાભાગે આવું થાય છે અને બેટસમેન ઈચ્છીને પણ રન બનાવી શકતો નથી. ગાવસ્કરે એમ પણ કહ્યું કે, બીજી વન-ડેમાં ધોની દ્વારા રમાયેલી ૩૭ રનની ઈનિંગે તેમને પોતાની અણનમ ૩૬ રનની ‘બદનામ’ ઈનિંગની યાદ અપાવી દીધી. બીજી વન-ડેમાં ઈંગ્લેન્ડે ૩રર રનનો સ્કોર બનાવ્યો હતો. આ અંગે ગાવસ્કરે કહ્યું કે બુમરાહ અને ભુવનેશ્વર વિના ઈંગ્લેન્ડને અંતિમ ૧૦ ઓવરમાં સ્કોર કરવાથી રોકવું ભારત માટે મુશ્કેલ થઈ ગયું હતું.