મુંબઇ,તા.૨૦
વર્લ્ડ કપ બાદથી ભલે ટીમ ઈન્ડિયા સતત એક્શનમાં છે પરંતુ તેનો એક સીનિયર ખેલાડી ઘણા લાંબા સમયથી મેદાન પર નથી જોવા મળતો, અમે વાત કરી રહ્યા છીએ મહેન્દ્ર સિંહ ધોનીની જે હાલમાં બ્રેક માણી રહ્યો છે. જોકે, ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરનું માનવું છે કે હવે ધોનીને કાયમી રીતે બ્રેક આપવાનો સમય આવી ગયો છે. ગાવસ્કરનું કહેવું છે કે ધોનીનો સમય પૂરો થઈ ગયો છે અને હવે તેને ભવિષ્ય તરફ જોવાની જરુર છે.
ગાવસ્કરે એક ચેનલ સાથે વાત કરતાં જણાવ્યું કે, હું પૂરા સન્માન સાથે કહું છું કે એમએસ ધોનીનો સમય પૂરો થઈ ગયો છે. ભારતને હવે આગળ જોવું જોઈએ. ધોનીને બહાર કરતાં પહેલા મેદાનથી વિદાય મળવી જોઈએ.
નોંધનીય છે કે, વર્લ્ડ કપ બાદથી ધોનીના સંન્યાસના અહેવાલો આવતા રહ્યા છે પરંતુ ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદે સ્પષ્ટ કરી દીધું છે કે ધોનીને ખબર છે કે તેને હવે ઇન્ટરનેશનલ ક્રિકેટ છોડવાનું છે. સાઉથ આફ્રિકા સીરીઝ શરૂ થતાં પહેલા વિરાટ કોહલીએ પણ કહ્યું હતું કે, સંન્યાસનો નિર્ણય ધોનીનો અંગત નિર્ણય છે. જોકે, સીરીઝ પહેલા વિરાટ કોહલીએ એક ટિ્‌વટ કર્યુ હતું, ત્યારબાદ તમામને લાગ્યું કે ધોની ક્રિકેટને અલવિદા કહેવાના છે જોકે એવું થયું નહીં.