(એજન્સી) નવી દિલ્હી, તા. ૨
સુપ્રીમકોર્ટે રમઝાન મહિના મતદાન સવારે ૭ વાગ્યાને બદલે પાંચ વાગે શરૂ કરવા અંગે વિચાર કરવાનું ચૂંટણી પંચને ગુરૂવારે કહ્યું છે. સુપ્રીમકોર્ટમાં રજૂ કરવામાં આવેલી અરજીમાં રમઝાન મહિના અને સતત વધી રહેલી ગરમી અને લૂ ને ધ્યાનમાં રાખીને સવારે વહેલા મતદાન શરૂ કરવા અંગે વિચાર કરવાની માગણી કરવામાં આવી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇના નેતૃત્વવાળી બેંચ દ્વારા વહેલા મતદાન શરૂ કરવાની માગણી કરતી અરજીની તાકીદે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. બેંચના અન્ય ન્યાયમૂર્તિઓમાં જસ્ટિસ દીપક મિશ્રા અને સંજીવ ખન્નાનો સમાવેશ થાય છે. બેંચે સુનાવણી હાથ ધરીને આ મુદ્દા અંગે નિર્ણય લેવાનું ચૂંટણી પંચ વતી ઉપસ્થિત થયેલા વકીલને કહ્યું હતું. વકીલ મોહમ્મદ નિઝામુદ્દીન પાશા અને અસદ હયાત દ્વારા રજૂ કરવામાં આવેલી અરજીમાં જણાવવામાં આવ્યું છે કે મતદાન સવારે સાત વાગ્યાને બદલે પાંચ વાગે શરૂ કરવાના સંદર્ભમાં સોમવારે તેઓએ ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરી હતી પરંતુ ચૂંટણી પંચે તેનો કોઇ જવાબ આપ્યો નથી. અરજદારોએ પાંચમા, છઠ્ઠા અને સાતમા તબક્કાની ચૂંટણીઓ દરમિયાન વહેલા મતદાન યોજવા માટે ચૂંટણી પંચને આદેશ આપવાની સુપ્રીમકોર્ટને વિનંતી કરી છે.
નોંધનીય છે કે મુસ્લિમોનો પવિત્ર રમઝાન મહિનો લગભગ પાંચમી જૂનથી શરૂ થવાનો છે. જ્યારે લોકસભાની ચૂંટણીઓના આગામી ત્રણ તબક્કા ૬ઠ્ઠીમે, ૧૨મી મે અને ૧૯મી મે એ મતદાન થવાનું છે. ચૂંટણી પરિણામ ૨૩મી મે ના રોજ જાહેર કરવામાં આવશે. લોકસભાની સાત તબક્કાની ચૂંટણીઓમાં ચાર તબક્કાનું મતદાન પુરૂં થઇ ગયું છે. સુપ્રીમકોર્ટે ચૂંટણી પંચને પૂછ્યું છે કે શું રમઝાન મહિના દરમિયાન યોજાનાર બાકીના ત્રણ તબક્કાની ચૂંટણીઓમાં સવારે સાત વાગ્યાને બદલે સવારે પાંચ વાગે મતદાન શરૂ કરાવી શકાય છે ? સુપ્રીમકોર્ટમાં રજૂ કરવામાં આવેલી અરજીમાં જણાવવામાં આવ્યું છે કે રમઝાન મહિના દરમિયાન ભારે ગરમી અને લૂ ને કારણે મતદાતાઓને મતદાન કરવામાં મુશ્કેલીઓ થશે. રમઝાન મહિનામાં મતદાનની તારીખોને કારણે ઘણા લોકોએ તેની સામે વાંધો ઉઠાવ્યો હતો અને આ બાબતે ચૂંટણી પંચને અપીલ કરવામાં આવી હતી. નોંધનીય છે કે ચૂંટણીઓ શરૂ થઇ ગયા બાદ કોઇ ગંભીર ભૂલ કે ઉલ્લંઘન સિવાય સુપ્રીમકોર્ટ ચૂંટણી પંચના કામમાં દખલ કરી શકે નહીં તેથી આ સંપૂર્ણપણે ચૂંટણીપંચ પર નિર્ભર છે કે પંચ એના પર શું નિર્ણય લેશે.