(એજન્સી) નવી દિલ્હી, તા.ર
સુપ્રીમકોર્ટે ઉત્તરપ્રદેશ સરકારને હાલમાં થયેલ એન્કાઉન્ટરો બાબત નોટિસ મોકલાવી બે અઠવાડિયામાં જવાબ રજૂ કરવા જણાવ્યું છે. ઉત્તરપ્રદેશમાં એન્કાઉન્ટરના વિરોધમાં એનજીઓ પીપલ્સ યુનિયન ફોર સિવિલ બિબર્લીઝે અરજી દાખલ કરી છે જેમાં અનેક એન્કાઉન્ટરો બનાવટી હોવાના આક્ષેપો કર્યા છે. એનજીઓની અરજી ઉપર સુનાવણી કરતાં સીજેઆઈ દીપક મિશ્રાની બેંચે નોટિસ જારી કરવા આદેશ કર્યું છે. સંગઠને સરકાર ઉપર આક્ષેપો મૂકયા છે કે હાલમાં ઉત્તરપ્રદેશમાં લગભગ પ૦૦ એન્કાઉન્ટરો થયા છે જેમાં પ૮ લોકોનાં મોત થયા છે. બેંચે આ મામલામાં માનવ અધિકાર પંચને પક્ષકાર બનાવવા ઈન્કાર કર્યું છે. ગયા વર્ષે માર્ચ મહિનામાં ભાજપની યોગીની આગેવાની હેઠળ ઉત્તરપ્રદેશમાં સરકાર રચાઈ હતી. નવી સરકારે રાજ્યમાં કાયદો વ્યવસ્થાની જાળવણી કરવા પોલીસને એન્કાઉન્ટરો કરવાની છૂટ આપી હતી જેના પગલે એન્કાઉન્ટરોમાં અતિશય વધારો થઈ ગયો છે. અરજીમાં આક્ષેપો કરાયા છે કે એન્કાઉન્ટરના નામે પોલીસ નિર્દોષ લોકોની હત્યાઓ કરી રહી છે.