(એજન્સી) નવી દિલ્હી, તા. ૭
ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લામાં પણ શેલ્ટર હોેમમાં બિહારના મુઝફ્ફરપુર જેવો મામલો બહાર આવ્યા બાદ સરકારથી માંડીને વહીવટીતંત્ર સુધીના હોશ ઉડી ગયા છે. સમગ્ર દેશમાં સગીરાઓ અને મહિલાઓ સાથે રેપની સર્જાઇ રહેલી ઘટનાઓ અંગે આકરી ટિપ્પણીઓ કરી છે. પહેલા મુઝફ્ફરપુર અને ત્યાર પછી દેવરિયામાં આવેલા શેલ્ટર હોમ રેપ કેસ અંગે સુપ્રીમકોર્ટે જણાવ્યું કે સમગ્ર દેશમાં આ શું થઇ રહ્યું છે ? લેફ્ટ, રાઇટ અને સેન્ટર બધી જગ્યા મહિલાઓ પર રેપ થઇ રહ્યો છે.
સુપ્રીમકોર્ટે મુઝફ્ફરપુર કેસની નોંધ લઇને બિહાર સરકારનો ભારે ઉધડો લીધો છે. કોર્ટે મુઝફ્ફરપુર જિલ્લામાં એનજીઓ દ્વારા સંચાલિત બાલિકા ગૃહમાં સગીર વયની બાળાઓ સાથે થયેલા રેપના મામલામાં બિહાર સરકારનો ભારે ઉધડો લીધો છે. કોર્ટે જણાવ્યું કે એવું લાગે છે જેમ કે આ ગતિવિધિઓ રાજ્ય સરકાર કરાવી રહી હતી. સુપ્રીમકોર્ટે પૂછ્યું કે રાજ્યમાં બાલિકા ગૃહ ચલાવવા માટે નાણાં કોઇ આપી રહ્યું છે ? સુપ્રીમકોર્ટે બિહાર સરકારની આકરી ટીકા કરતા એવું પણ પૂછ્યું કે આખરે શા માટે આ બાળગૃહોની તપાસ ન કરવામાં આવી ? કોર્ટે સુનાવણી દરમિયાન દેવરિયાની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો. આ મામલામાં રાજકીય વગ ધરાવનાર બ્રજેશ ઠાકુરની સાથે જ આશરે ૧૦ લોકોની અત્યાર સુધી ધરપકડ કરાઇ છે. બ્રજેશ ઠાકુરની એનજીઓ ઘણા બાળગૃહો ચલાવે છે.
કોર્ટે મામલાની સુનાવણી દરમિયાન સમગ્ર દેશમાં વધી રહેલી દુષ્કર્મની ઘટનાઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે. સુપ્રીમકોર્ટે નેશનલ ક્રાઇમ રેકોર્ટ બ્યૂરો (એનસીઆરબી)ને ટાંકીને જણાવ્યું કે પ્રત્યેક ૬ કલાકમાં એક સગીરા સાથે બળાત્કાર થઇ રહ્યો છે. સમગ્ર દેશમાં વર્ષમાં ૩૮,૦૦૦થી વધુ રેપ થઇ રહ્યા છે. દેશમાં સૌથી વધુ રેપ મધ્ય પ્રદેશમાં થઇ રહ્યા છે, બીજો નંબર ઉત્તર પ્રદેશનો છે. દેશમાં આ શું થઇ રહ્યું છે ? દેશના રાઇટ, લેફ્ટ અને સેન્ટરમાં મહિલાઓ સાથે બળાત્કાર થઇ રહ્યો છે. સુપ્રીમકોર્ટે બિહાર સરકાર અને મહિલા તેમ જ બાળ વિભાગને પૂછ્યું હતું કે શેલ્ટર હોમમાં સગીરાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ સર્જાતી શા માટે અટકાવવામાં ન આવી ? સુપ્રીમકોર્ટે નીતીશ સરકારને પ્રશ્ન કર્યો કે બિહારના શેલ્ટર હોમમાં કોણ નાણાં આપી રહ્યું છે ? સુપ્રીમકોર્ટે બિહાર સરકારના મુઝફ્ફરપુર આશ્રયગૃહ ચલાવનાર બિન-સરકારી સંગઠન (એનજીઓ)ને રકમ આપવા બદલ ઉધડો લીધો છે. કોર્ટે કહ્યું કે રાજ્ય સરકાર ૨૦૦૪થી બધા શેલ્ટર હોમને નાણાં આપી રહી છે પરંતુ તેમને ખબર નથી કે ત્યાં શું થઇ રહ્યું છે ? બિહાર સરકારે ક્યારેય શેલ્ટર હોમમાં નિરીક્ષણ કરવાની પણ જરૂરત ન સમજી. એવું લાગે છે કે આ ગતિવિધિઓ રાજ્ય પ્રાયોજિત છે. આ વિચારવાનો વિષય છે.
સુપ્રીમકોર્ટે જણાવ્યું કે મુઝફ્ફરપુરવાળી એનજીઓ એકલી નથી જ્યાં આ પ્રકારના આરોપ બહાર આવ્યા છે. એનજીઓએ પોતાના રિપોર્ટમાં રાજ્ય સરકારના ફંડથી ચાલી રહેલી આવી ૧૫ સંસ્થાઓનો ઉલ્લેખ કર્યો છે. આ સંસ્થાઓ તપાસના દાયરમાં આવી ગઇ છે. સુપ્રીમકોર્ટે મામલામાં તપાસ કરી રહેલા અધિકારીઓને પૂછ્યું કે તેઓ શું તપાસ કરી રહ્યા છે ? સુપ્રીમકોર્ટે બિહાર શેલ્ટર હોમ રેપ કેસમાં અપર્ણા ભટ્ટને એમિકસ ક્યુરી (ન્યાય મિત્ર) નિયુક્ત કર્યાં છે.

સુપ્રીમકોર્ટના વેધક પ્રશ્નો
૧. સમગ્ર દેશમાં આ શું થઇ રહ્યું છે ?
૨. રાજ્યમાં બાલિકા ગૃહ ચલાવવા માટે નાણાં કોણ આપી રહ્યું છે ?
૩. બિહાર સરકારને ખબર નથી કે શેલ્ટર હોમમાં શું થઇ રહ્યું છે ?
૪. મામલામાં તપાસ કરી રહેલા અધિકારીઓ શું તપાસ કરી રહ્યા છે ?
૫. આખરે કેમ આ બાળગૃહોની તપાસ ન કરાઇ ?
૬. શેલ્ટર હોમમાં સગીરાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ સર્જાતી શા માટે અટકાવવામાં ન આવી ?
એમિકસ ક્યુરીની મહત્વની રજૂઆત
૧.પીડિત કિશોરીઓનું કાઉન્સિલીંગ ચાલુ છે.
૨. અત્યાર સુધી કોઇને પણ વળતર મળ્યું નથી.
૩. એક કિશોરી હજીપણ લાપતા છે.
૪. ત્યાંની સ્થિતિ અત્યંત ગંભીર છે.