(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
સુપ્રીમ કોર્ટે માઓવાદીઓ સાથેના કથિત સંબંધોના લીધે ધરપકડ કરાયેલ પાંચ ચળવળકારીઓની નજરકેદ ૧૯ સપ્ટેમ્બર સુધી લંબાવી છે. કોર્ટે કહ્યું કે ત્યારે જ એમને મુક્ત કરવાની અરજી સાંભળીશું. સરકારે આ કેસમાં સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપનો વિરોધ કર્યો. કોર્ટે કહ્યું અમે કેસના દસ્તાવેજો જોઈશું. આ આક્ષેપો બાબત પણ વિચારીશું એ પછી નિર્ણય કરીશું, જો અમને જરૂર જણાશે તો દરમિયાનગીરી કરીશું અન્યથા રદ કરીશું. ધરપકડ કરાયેલ પાંચ ચળવળકારીઓની મુક્તિ માટે ઈતિહાસવિદ રોમિલા થાવર અને અન્ય ચાર વ્યક્તિઓએ અરજી કરી છે.
આ ઘટનાની ૧૦ મુખ્ય હકીકતો :
૧. સરકારે સુપ્રીમ કોર્ટની બેંચે કહ્યું કે બધા કેસો સુપ્રીમ કોર્ટ સમક્ષ સીધા રજૂ કરી શકાય નહીં. આ ખોટી પ્રણાલી પાડી રહ્યા છો. આના લીધે બધા કેસો સુપ્રીમ કોર્ટમાં આવશે.
ર. સરકારે કોર્ટને જણાવ્યું કે કેસને સુનાવણી માટે સક્ષમ અદાલત તરફ મોકલવામાં આવે, જ્યાં આ કેસ પડતર છે.
૩. કેન્દ્ર સરકારે કહ્યું કે જો સુપ્રીમ કોર્ટ કેસની સુનાવણી કરશે તો એ ખતરનાક સાબિત થશે. અરજદારોને સંબોધિત કરતા મહારાષ્ટ્ર સરકારે કહ્યું કે કોર્ટ અજાણ્યા વ્યક્તિઓને સાંભળી નહીં શકે.
૪. સીજેઆઈ દીપક મિશ્રાએ કહ્યું કે કોર્ટે સ્વતંત્રતાના રક્ષણ માટે સુનાવણી હાથ ધરી છે.
પ. ર૮મી ઓગસ્ટે મહારાષ્ટ્ર પોલીસે ખાસ ચળવળકારીઓને ત્યાં વિવિધ રાજ્યોમાં દરોડાઓ પાડ્યા હતા અને માઓવાદીઓ સાથે સંબંધોના લીધે પાંચ ચળવળકારીઓની ધરપકડ કરી હતી.
૬. ૩૧મી ડિસેમ્બરના રોજ એલગાર પરિષદ યોજાઈ હતી જેના પછી ભીમા કોરેગાંવમાં હિંસા ફાટી નીકળી હતી. પોલીસે આ કેસની તપાસના અનુસંધાને દરોડાઓ પાડ્યા હતા અને ધરપકડો કરી હતી.
૭. ધરપકડ કરાયેલ ચળવળકારીઓ તરફે હાજર રહેલ વકીલ સિંધવીએ જણાવ્યું કે એ કાર્યક્રમમાં આ પાંચ ચળવળકારીઓ હાજર ન હતા અને કોર્ટનું ધ્યાન ખેંચતા કહ્યું કે ત્યાં બે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજો અને હાઈકોર્ટના એક પૂર્વ જજે હાજરી આપી હતી.
૮. સુપ્રીમ કોર્ટે આ પહલાં મહારાષ્ટ્ર પોલીસને ચળવળકારીઓની ધરપકડ સંદર્ભે પ્રશ્ન કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે આ બધા નામાંકિત નાગરિકો છે અને વિરોધ કરનારાઓની ધરપકડ કરવી યોગ્ય નથી.
૯. સુપ્રીમ કોર્ટ છઠ્ઠી સપ્ટેમ્બરે પોલીસ અધિકારીએ આપેલ નિવેદનથી ગંભીર નોંધ લીધી હતી જેમાં અધિકારીએ કોર્ટ ઉપર આક્ષેપો મૂક્યા હતા.
૧૦. સુપ્રીમ કોર્ટે પોલીસ અધિકારીના નિવેદનની ટીકા કરી હતી જેમાં એમણે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે ચળવળકારીઓની ધરપકડની સુનાવણી ન કરવી જોઈએ.