(એજન્સી) તા.૧૮
આંધ્ર અને કર્ણાટક વચ્ચે બાલારી રિઝર્વ ફોરેસ્ટ દ્વારા આંધ્રપ્રદેશ અને કર્ણાટક વચ્ચેની સરહદનું સીમાંકન કરવા માટે સર્વેયર જનરલ ઓફ ઇન્ડિયાના અહેવાલો અમલ કરવો કે નહીં તે અંગેનો નિર્ણય કેન્દ્ર સરકાર પર છોડવામાં આવે. સર્વેયર જનરલ ઓફ ઇન્ડિયાએ ઓબુલાપુરમ માઇનિંગ કંપની (એાએમસી)ને લગતી બાબતની સુનાવણી કરી રહેલ ન્યાયમૂર્તિ મદન બી લોકુર અને દીપક ગુપ્તાની બનેલી બેંચ સમક્ષ બંને રાજ્યો વચ્ચેની સરહદના સીમાંકન બાબતે આખરી અહેવાલ સુપરત કર્યો હતો.
પોતાના આદેશમાં બેંચે નોંધ્યું હતું કે આ અહેવાલમાં સરહદી સીમાંકન સંબંધીત વિસ્તૃત અહેવાલનો કર્ણાટકે સંપૂર્ણપણે સ્વીકાર કર્યો છે જ્યારે આંધ્ર પ્રદેશને તેની સામે કેટલાક વાંધા છે. હવે સર્વેયર જનરલ ઓફ ઇન્ડિયાના રિપોર્ટનો અમલ કરવો અને આંધ્ર-કર્ણાટકના રાજ્યો વચ્ચેની સરહદનું સીમાંકન કરવું એ ભારતીય સંઘ પર સપૂર્ણપણે છોડવામાં આવે છે.
સોમવારે બેંચે સ્પષ્ટતા કરી હતી કે આ પ્રદેશ ભારતીય સંઘનો હોવાથી તેનું સીમાંકન કરવા માટે કેન્દ્ર જવાબદાર રહેશે. બેંચે વધુમાં જણાવ્યું હતું કે અમે અહીં રાજ્યોની સરહદનું સીમાંકન કરવા માટે નથી. અમે આ જમીન કર્ણાટકની છે કે પેલી જમીન આંધ્રપ્રદેશની છે એવું કહેવા આવ્યા નથી. આ અંગે હવે ભારત સરકારે નિર્ણય લેવાનો છે. આ વર્ષે જુલાઇમાં સુપ્રીમકોર્ટે જણાવ્યું હતું કે બંને રાજ્યો વચ્ચે સરહદના સીમાંકનની કવાયત ૨૦૧૩ સુધીમાં પૂરી થવી જોઇતી હતી તે કેટલાય વર્ષો સુધી પૂરી થઇ નથી. તેથી સુપ્રીમકોર્ટ આ બાબતે ખૂબ જ પરેશાન છે. સાથે સાથે સુપ્રીમકોર્ટે એવું પણ સ્પષ્ટ કર્યુ હતું કે ઓએમસી દ્વારા ખનન માત્ર બિનવિવાદી વિસ્તારમાં કરવું જોઇએ.