(એજન્સી) તા.ર
ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ આર.એમ. લોઢાએ સુપ્રીમ કોર્ટની પ્રવર્તમાન સ્થિતિને વિનાશક ગણાવતા કહ્યું હતું કે ભારતના મુખ્ય ન્યાયાધીશ માસ્ટર ઓફ રોસ્ટર છે પરંતુ કેસોની ફાળવણી નિષ્પક્ષ અને સંસ્થાના હિતમાં હોવી જોઈએ. ન્યાયતંત્રની સ્વતંત્રતા સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ ન કરી શકાય એ વાત પર ભાર મૂકતા જસ્ટિસ લોઢાએ કહ્યું હતું કે, ભારતના મુખ્ય ન્યાયાધીશ માટે આ જરૂરી છે કે તે મુત્સદીગીરી દર્શાવી અને તેમના સહકર્મીઓને સાથે રાખીને સંસ્થાને આગળ વધારે પૂર્વ કેન્દ્રીય મંત્રી અરૂણ શૌરીએ લખેલા એક પુસ્તકના વિમોચન દરમિયાન જસ્ટિસ લોઢાએ કહ્યું કે આજે સુપ્રીમ કોર્ટમાં આપણે જે સમયગાળો જોઈ રહ્યા છીએ તે વિનાશક છે. હવે એ સમય આવી ગયો છે કે સહકર્મીઓ વચ્ચેના સહકાર સંબંધને ફરીથી સ્થાપિત કરવામાં આવે. જુદા-જુદા અભિપ્રાયો ધરાવતા ન્યાયાધીશોએ સુપ્રીમ કોર્ટને આગળ વધારવા માટે એક સામાન્ય સમજ કેળવવી જ જોઈએ. તે ન્યાયતંત્રની સ્વતંત્રતા જાળવશે.
આ પુસ્તક વિમોચન કાર્યક્રમમાં દિલ્હી હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એ.પી. શાહ પણ ઉપસ્થિત હતા. જસ્ટિસ એ.પી. શાહે સ્પેશિયલ સીબીઆઈ જજ બી.એચ. લોયાના શંકાસ્પદ મૃત્યુ અંગે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાને સંપૂર્ણપણે ખોટું ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે જજ લોયા અંગે આપેલા ચુકાદામાં કહ્યું છે કે આ કેસ ન્યાયતંત્ર પર હુમલો કરવાનો પ્રયાસ છે. તેમણે કહ્યું કે તપાસ માટેની માગણી કરવી એ ન્યાયતંત્ર પર હુમલો કેવી રીતે ગણાય ?