(એજન્સી)
નવી દિલ્હી, તા.ર૬
બુધવારે સુપ્રીમ કોર્ટે એસસી/એસટીને નોકરીઓમાં બઢતીમાં આરક્ષણ અંગે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો. સુપ્રીમ કોર્ટે વર્ષ ર૦૦૬ના તેના આ મુદ્દે આપેલ ચુકાદાને યથાવત રાખ્યો હતો. કોર્ટે કહ્યું કે, તેના પર ફરીથી વિચાર કરવાની જરૂર નથી. આ ઉપરાંત આ કેસને ૭ જજોની બંધારણીય ખંડપીઠને મોકલવાનો પણ ઈન્કાર કર્યો. જો કે કોર્ટે એસસી/એસટી વર્ગના પછાતપણાના આંકડા ફરજિયાત આપવાને પણ રદ કર્યો હતો. આમ હવે એસસી/એસટીને નોકરીઓમાં પ્રમોશનનો માર્ગ સરળ બની ગયો હતો. ર૦૦૬માં સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં એસસી/એસટીને નોકરીમાં પ્રમોશનમાં આરક્ષણ આપવા માટે રાજ્ય સરકાર સામે કેટલીક શરતો મૂકાઈ હતી ત્યારબાદ પ્રમોશનમાં આરક્ષણના મુદ્દે સાત જજોની ખંડપીઠને આ કેસ મોકલવા અરજી દાખલ કરાઈ હતી. તે અરજી પર કોર્ટે બુધવારે ચુકાદો આપ્યો. મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રાની આગેવાની હેઠળ પ જજોની ખંડપીઠે આ મુદ્દે ૩૦ ઓગસ્ટે સુનાવણી પૂરી કરી તેનો ચુકાદો અનામત રાખ્યો હતો. ર૦૦૬માં સુપ્રીમ કોર્ટે રાજ્યોને એસસી/એસટીના આંકડા આપવા ફરજ પાડી હતી. પરંતુ હવે કોર્ટે તેની જરૂર નથી તેવું ચુકાદામાં જણાવ્યું હતું. સરકારનો તર્ક છે કે બંધારણમાં એસસી/એસટીને પછાત મનાયા છે. તેથી આંકડાની જરૂર નથી. સરકારે એસસી/એસટીને નોકરીમાં બઢતી માટે અનામતની માગણી કરી હતી. એટર્ની જનરલે સરકારવતી સુપ્રીમમાં દલીલ કરી કે એસસી/એસટી સમુદાય જાતિના આધારે ભેદભાવ ઝીલી રહ્યા છે. જ્યારે અરજદારના વકીલ રાજેશ દ્વિવેદીએ કહ્યું કે નોકરી મળ્યા બાદ એસસી/એસટીનું પછાતપણું ખતમ થઈ જાય છે. ઉચ્ચ સેવાઓમાં પ્રમોશનનો વિરોધ કર્યો. સુપ્રીમના ચુકાદાને માયાવતીએ આવકાર્યો હતો. એ કહ્યું કે તેઓ ચુકાદો વાંચ્યા બાદ આ અંગે પ્રતિક્રિયા આપશે. કેન્દ્ર સરકારે સંસદમાં રોસ્ટર કાનૂન ચર્ચા વગર પસાર કર્યો હતો. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે ક્રિમ લેયરને પણ આરક્ષણનો લાભ મળવો જોઈએ.