(એજન્સી) નવી દિલ્હી, તા.૬
દેશમાં સડકો પરના ખાડાઓ આતંકવાદથી પણ વધારે ખતરનાક બની રહ્યા છે. સુપ્રીમ કોર્ટે આના સંદર્ભે ચિંતા વ્યક્ત કરી છે. ૨૦૧૩થી ૨૦૧૭ વચ્ચે સડકો પર ખાડાને કારણે ૧૪ હજાર ૯૨૬થી વધું લોકોએ જીવ ગુમાવ્યો છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું છેકે ગત પાંચ વર્ષોમાં સડકો પર પડેલાના ખાડાને કારણે મરનારાઓની સંખ્યા સીમા અથા આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલી હત્યાઓ કરતા વધારે છે. તાજેતરમાં જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ૨૦૧૭માં આ ખાડાને કારણે ૩૫૯૭ લોકોના જીવ ગયા છે. સુપ્રિમ કોર્ટે આ મામલાની વધુ સુનાવણી આગામી જાન્યુઆરી મહિનામાં રાખી છે.
એટલે કે દરરોજ ૧૦ લોકોના મોત સડક પરના ખાડાને કારણે થયા છે. આમ તો સામાન્ય દિવસોમાં લોકોને આ ખાડા દેખાઈ જાય છે અને તેઓ આનાથી બચીને નીકળી જાય છે. પરંતુ વરસાદના દિવસોમાં આનાથી બચી શકવું મુશ્કેલ બની જાય છે. સડકો પર પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નહીં હોવાથી આવા ખાડામાં પાણી ભરાય છે અને તેને કારણે સડક પરના ખાડા ઘણીવાર દેખાતા નથી. જેને કારણે ૨૦૧૬ કરતા ૨૦૧૭માં આમા ૫૦ ટકાનો વધારો થયો છે.
જો દેશભરમાં આ ખાડાને કારણે જીવ ગુમાવનારાઓની સરખામણી આતંકવાદી ઘટનાઓ સાથે કરીએ તો આતંકવાદી ઘટનાઓમાં કુલ ૮૦૩ લોકોનાં મોત નીપજ્યા છે. જેમાં આતંકવાદી, સુરક્ષાકર્મીઓ અને આમ આદમીનો પણ સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં ૨૦૧૭માં ૭૨૬ લોકોના ખાડામાં પડવાને કારણે જીવ ગયા હતા. સડકની ખરાબ હાલત પ્રત્યે આંખ આડા કાન દરરોજ ખરાબ સંકેત આપે છે. મહારાષ્ટ્રમાં ૨૦૧૬ની સરખામણીએ ૨૦૧૭માં આના સંદર્ભેના આંકડા બેવડાઈ ગયા હતા. આ ઘટનાઓની પાછળ એક નહીં પણ ઘણાં કારણો છે. લોકો દ્વારા વાહનવ્યવહારના નિયમોનું પાલન કરવામાં આવતું નથી અને વગર હેલ્મેટે વાહન ચલાવવાને કારણે પણ આવી ઘટનાઓ બને છે. પરંતુ આવા મોતની પાછળ સૌથી મોટું કારણ નગરનિગમ અને સડકની માલિકી એજન્સીઓમાં ભ્રષ્ટાચાર પણ છે. મહત્વપૂર્ણ છે કે આ આંકડા તમામ રાજ્યોએ કેન્દ્ર સરકાર સાથે શેયર કર્યો છે. આ મામલામાં ઉત્તરપ્રદેશ પ્રથમ સ્થાન પર છે.
ઘણાં રિપોટ્‌ર્સમાં તો એવું પણ સામે આવ્યું છે કે સડક દુર્ઘટનાઓમાં થનારા મોતનું સૌથી મોટું કારણ સડકની ખોટી ડિઝાઈન, ખરાબ રખરખાવ અને સડકથી સંબંધિત સમસ્યાઓની અણદેખી કરવી પણ સામેલ છે. સડક પરિવહન મંત્રાલયના એક અધિકારીએ કહ્યું છે કે મોટર વ્હિકલ્સ સંશોધન બિલમાં આવા પ્રકારની જોગવાઈઓને સામેલ કરાઈ રહી છે. આ બિલ સંસદમાં લાંબા સમયથી અટવાયેલું છે.