નવી દિલ્હી, તા.૧૬
લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન ઉમેદવારો દ્વારા જાતિ/ધર્મના નામે મત માંગવાના કેસમાં આજે ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, અમે એવા નેતાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરી છે. નેતાઓએ આપત્તિજનક ભાષણો પર ચૂંટણી પંચે કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે મંગળવારે સંતોષ વ્યક્ત કર્યો. ચૂંટણી પંચના જવાબમાં મુખ્ય ન્યાયાધીસ રંજન ગોગોઈએ ટિપ્પણી કરતા કહ્યું હતું કે, લાગે છે કે ચૂંટણી પંચની શક્તિઓ તેને પરત મળી ગઈ છે.
સુપ્રીમ કોર્ટે શારજાહ (યુએઈ)ના એક એનઆરઆઈ યોગા ટીચર મનસુખાનીની અરજી પર સુનાવણી કરી હતી. અરજીમાં એવા નેતાઓ વિરૂદ્ધ કડક કાર્યવાહીની માંગ કરાઈ હતી, જેઓ ચૂંટણી દરમિયાન જાતિ-ધર્મના આધારે ટિપ્પણીઓ કરે છે. કોર્ટે ૮ એપ્રિલે આ મામલે સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચને નોટિસ મોકલી હતી.
સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ જ્યારે ઉત્તરપ્રદેશમાં નેતાઓ દ્વારા ધાર્મિક અને વિવાદીત નિવેદન આપવાની બાબતે ચૂંટણી પંચે શું કાર્યવાહી કરી તે અંગે સવાલ કરાયો તો પંચે કહ્યું કે અમે આ મામલે માત્ર નોટિસ મોકલી જવાબ માગી શકીએ છીએ. તે મુદ્દે નારાજ સુપ્રીમ કોર્ટની બેંચે કહ્યું કે હકિકતમાં તમે એવું કહેવા માગો છો કે તમે શક્તિહીન છો.
સુપ્રીમ કોર્ટના કડક વલણ બાદ ચૂંટણી પંચે સોમવારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બસપા પ્રમુખ માયાવતી પર ૪૮ અને ૭૨ કલાક સુધી પ્રચાર કરવાની રોક લગાવી છે. આ નિર્ણયના થોડાંક કલાક પછી પંચે ભાજપના નેતા મેનકા ગાંધી અને સપા નેતા આઝમ ખાન પર પણ ૪૮ અને ૭૨ કલાક સુધી ચૂંટણી પ્રચાર કરવા પર રોક લગાવી છે. આ કાર્યવાહી બાદ આજે ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે, જાતિ/ધર્મના મત માંગનારા નેતાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરી છે. ચૂંટણી પંચની કાર્યવાહી પર સંતોષ વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીસ રંજન ગોગોઈએ કહ્યું હતું કે, હવે કોર્ટને કોઈ ઇન્ટરિમ આદેશ આપવાની જરૂર નથી. આજે કોઈ આદેશ પસાર નહીં કરે. લાગે છે કે ચૂંટણી પંચની શક્તિઓ તેને પરત મળી ગઈ છે.

માયાવતીને “સુપ્રીમ”
આંચકો, પ્રતિબંધ યથાવત્‌ રહેશે

લોકસભા ચૂંટણીના બીજા ચરણના મતદાન પહેલા માયાવતીને સુપ્રીમ કોર્ટથી આંચકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટમાં માયાવતીની અરજી પર સુનાવણી કરવાનો ઇન્કાર કરી દીધો છે. માયાવતીને હાલ સુપ્રીમ કોર્ટથી કોઈ રાહત નથી મળી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે કહી શકીએ કે ચૂંટણી પંચે તેમની શક્તિઓનો ઉપયોગ કર્યો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ચૂંટણી પંચે આચાર સંહિતા તોડનારાઓની વિરુદ્ધ કાર્યવાહી કરી. ઉલ્લેખનીય છે કે, માયાવતીને સુપ્રીમ કોર્ટ પાસે આજની પોતાની રેલી માટે મંજૂરી માંગી હતી.