(એજન્સી) નવી દિલ્હી,તા.ર૧
કાશ્મીરમાં મુકાયેલ પ્રતિબંધોને પડકારતી અરજીઓની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીર વહીવટી તંત્ર તરફે હાજર રહેલ એટોર્ની તુષાર મહેતાને કહ્યું કે અનુ. ૩૭૦ રદ કરાયા પછી કાશ્મીરની પરિસ્થિતિ બાબતે પૂછાયેલ પ્રત્યેક પ્રશ્નનો જવાબ આપવો પડશે. સુપ્રીમ કોર્ટના જજો એન.વી. રામન્ના અને આર.રેડ્ડી અને બી.આર. ગવઈએ તુષાર મહેતાને કહ્યું અરજદારોએ પોતાની રજૂઆતમાં વિસ્તૃત દલીલો રજુ કરી છે જેથી તમને પણ વિગતવાર બધા પ્રશ્નોનો જવાબ આપવો પડશે. તમારા દ્વારા દાખલ થયેલ સોગંદનામાથી અમે કોઈ નિર્ણય કરી શકતા નથી. એ પ્રકારની છબી ઉભી નહીં કરો જેથી એવું દર્શાય કે તમે આ કેસ તરફ પુરતું ધ્યાન નથી આપી રહ્યા.
અરજદારો તરફે રજૂઆત કરતા વકીલ મીનાક્ષી અરોરાએ હોંગકોંગ હાઈકોર્ટના આદેશનું ઉલ્લેખ કરતા કહ્યું કે એમણે પ્રદર્શનકારીઓને માસ્ક પહેરવા મુકાયેલ પ્રતિબંધ દૂર કર્યો હતો. હોંગકોંગની પરિસ્થિતિ કાશ્મીર કરતા ખરાબ છે ત્યાં રોજેરોજ વિરોધો થાય છે. આની સામે જજ રામન્નાએ કહ્યું અમારી કોર્ટ મુળભૂત અધિકારોના રક્ષણ માટે વધુ શ્રેષ્ઠ છે. એ પછી જજ ગવઈએ અરોરાને પૂછયું કે શું હોંગકોંગમાં સીમાપારનો ત્રાસવાદ છે. અરોરાએ જવાબ આપ્યો જો ખરેખર સીમાપારના ત્રાસવાદનો પ્રશ્ન છે તો પસંદગીના વિસ્તારોમાં પ્રતિબંધ મુકવા જોઈએ. સમગ્ર કાશ્મીરમાં નહીં. મહેતાએ જણાવ્યું કે અરજીઓમાં સંપૂર્ણ પ્રતિબંધોની જે રજૂઆત કરાઈ છે એ ખોટી અને અસંગત છે. જમ્મુ-કાશ્મીરના લોકોના મૂળભૂત અધિકારો પાછા નથી લેવાયા પણ એમને ૭૦ વર્ષમાં પહેલી વખત વધારાના અધિકારો અપાયા છે. પોતાની દલીલને સમર્થન આપતા કહ્યું શિક્ષણનો મૂળભૂત અધિકાર પહેલા કાશ્મીરમાં ન હતો. પણ કોઈપણ વ્યકિત આગળ આવ્યું ન હતું અને કહ્યું ન હતું કે એમના બાળકો ભણી નથી શકતા. હવે લોકો કહે છે કે ઈન્ટરનેટની અછતથી એમનો મૂળભૂત અધિકાર છીનવાય છે. પમી ઓગસ્ટે પણ ૭ જિલ્લાઓમાં મોબાઈલ ઉપર પ્રતિબંધ ન હતો. ૯૧૭ શાળાઓ જયાં કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન ન હતો એ બંધ કરાઈ ન હતી. સત્તાવાળાઓએ પ્રતિબંધો વિચારીને મુકયા હતા.

કાશ્મીરમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય, સુપ્રીમ કોર્ટમાં સોલિસિટર જનરલની રજૂઆત

(એજન્સી) નવી દિલ્હી, તા.૨૧
સુપ્રીમ કોર્ટમાં કાશ્મીરમાં મૂકાયેલ પ્રતિબંધો બાબત સુનાવણી થઈ રહી હતી. એ દરમિયાન જમ્મુ-કાશ્મીર વહીવટ તરફે રજૂઆત કરતા વકીલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું કે, અરજદારો કાશ્મીરનું ખોટું ચિત્ર રજૂ કરી રહ્યા છે, જે હકીકતમાં અસત્ય છે. મહેતાએ કાશ્મીરની સામાન્ય પરિસ્થિતિનું વર્ણન કરતા જણાવ્યું કે, ૪૩ લાખ લિટર પેટ્રોલ વેચાયું છે. ૧૧.પ૯ લાખ ટન સફરજન વેચાયા છે. ખેડૂતોને એક રૂપિયાનું પણ નુકસાન થવા દેવાયું નથી. બધા અખબારો પ્રકાશિત થાય છે. ફક્ત અનુરાધા ભસીન પોતે શ્રીનગરમાં અખબાર પ્રકાશિત નથી કરતી, રેડિયો, ટીવીનું પ્રસારણ શ્રીનગરથી થઈ રહ્યું છે. ર૭ સપ્ટેમ્બરથી બધી શાળાઓ ખૂલી ગઈ છે. એ માહિતી ખોટી છે કે, બાળકો શાળાએ નથી જતા. સહેલાણીઓ આવી રહ્યા છે. એમની સંખ્યા ઓછી છે. લોકોને હરવા-ફરવા ઉપર પ્રતિબંધ નથી. ફક્ત સભાઓ ઉપર પ્રતિબંધ છે. ઈન્ટરનેટ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ નથી. ઓફિસોમાં જિલ્લા કચેરીઓ અને હોટલોમાં ઈન્ટરનેટ ચાલુ છે. જો ખેડૂતો પોતાના સફરજન નથી વેચી શકતા તો સરકાર એમની પાસેથી ખરીદે છે. લોકો સહકાર આપી રહ્યા છે. અરજદારો લોકોનું પ્રતિનિધિત્વ કરતા નથી. હોસ્પિટલોમાં ૭ લાખ લોકોએ ઓપીડીમાં સારવાર લીધી છે. એ દર્શાવે છે કે, કોઈ વ્યક્તિને ઘરમાં કેદ નથી કરાયો. હું તમને હોસ્પિટલો, જાહેર સ્થળોના વીડિયો બતાવી શકુ, જ્યાં સામાન્ય જનજીવન ચાલી રહ્યું છે. મને ખબર નથી કે, શું કામ અરજદારો ગંભીર સ્થિતિ જણાવી રહ્યા છે.