(એજન્સી) નવી દિલ્હી, તા.૧૧
સુપ્રીમકોર્ટ કોલેજિયમના પાંચ સભ્યો આજે મળ્યા હતા. જેમાં જજ કે.એમ.જોસેફના નામની ફરી ભલામણ કરવા નિર્ણય કરવાનો હતો. કેન્દ્ર સરકારે કે.એમ.જોસેફના નામનો ઈન્કાર કરતાં એમના નામની ભલામણ માટેની આ બીજી મીટિંગ હતી. સરકાર દ્વારા જોસેફના નામનો ઈન્કાર કરતાં કોલેજિયમના સભ્યો નારાજ થયા હતા અને ન્યાયતંત્રમાં સરકારના હસ્તક્ષેપની ટીકા કરી હતી.

આ મોટી ઘટનાના ૧૦ મુખ્ય મુદ્દાઓ
૧. સુપ્રીમકોર્ટે કોલેજિયમની મીટિંગમાં સંમતિ દર્શાવાઈ હતી કે જજ કે.એમ.જોસેફના નામની ફરી ભલામણ કરવી એ સાથે એ પણ નિર્ણય કર્યો કે એની સાથે અન્ય નામો પણ મોકલવામાં આવશે જે નામોનો નિર્ણય ૧૬મી મેએ કરાશે.
ર. ગયા અઠવાડિયે યોજાયેલ મીટિંગમાં નિર્ણય કરાયો હતો કે સરકારે જોસેફના ઈન્કાર સાથે જે મુદ્દાઓ ઉઠાવ્યા હતા એનો મુદ્દાસર જવાબ આપવો એ સાથે સરકારના યોગ્ય પ્રતિનિધિત્વની માગણી ધ્યાનમાં રાખી અન્ય હાઈકોર્ટોના નામો પણ મોકલાશે.
૩. સરકારે જોસેફનું નામ નકારતા જણાવ્યું હતું કે એમાંથી કેરળના બે જજો થઈ જશે જ્યારે અન્ય હાઈકોર્ટો એવી છે જ્યાંથી એક પણ જજ નથી. એ માટે બધા રાજ્યોની હાઈકોર્ટોને પ્રતિનિધિત્વ આપવામાં આવે.
૪. આજની મીટિંગ પહેલાં જજ ચેલમેશ્વરે સીજેઆઈ દીપક મિશ્રાને આ મુદ્દે પત્ર લખ્યો હતો જેના પગલે મીટિંગ યોજાઈ હોવાનું અનુમાન છે.
પ. જજ ચેલમેશ્વરે જણાવ્યું હતું કે જોસેફના નામનો વિરોધ કરવા સરકાર પાસે યોગ્ય કારણો નથી.
૬. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં કોલેજિયમે વકીલ ઈન્દુ મલ્હોત્રા અને જજ જોસેફને સુપ્રીમકોર્ટમાં જજની નિમણૂક કરવા ભલામણ કરી હતી જેમાંથી સરકારે વકીલ ઈન્દુ મલ્હોત્રાની પસંદગી કરી હતી અને જજ જોસેફની પસંદગી કરી ન હતી.
૭. કેન્દ્ર સરકાર કોલેજિયમ દ્વારા પસંદ કરાયેલ નામોને ઈન્કાર કરે એમાં કંઈ અજુગતો નથી. હાઈકોર્ટના જજો બાબત સરકારે પહેલાં પણ ઘણી વખત કર્યું હતું પણ સુપ્રીમકોર્ટના જજ માટેની નિમણૂક બાબત સરકાર ભલામણ નકારતી નથી.
૮. જવલેજ આવું બને છે કે સરકારે સુપ્રીમકોર્ટના જજની નિમણૂકને નકારી હોય. ર૦૧૪માં સરકારે ગોપાલ સુબ્રમણ્યમનું નામ નકાર્યું હતું તે વખતે સીજેઆઈ આર.એમ.લોધા હતા પણ ગોપાલ સુબ્રમણ્યમે પોતાનું નામ પાછું ખેંચતા વિવાદ શમી ગયો હતો.
૯. જો કોલેજિયમ ફરીથી જોસેફના નામની ભલામણ કરે તો સરકારને એ સ્વીકારવા સિવાય અન્ય વિકલ્પ રહેતો નથી.
૧૦. પૂર્વ સીજેઆઈ આર.એમ.લોધા સમેત અન્ય ઘણા કાર્યરત અને નિવૃત્ત જજોએ સરકારના વલણની ટીકા કરી. ન્યાયતંત્રની સ્વતંત્રતા ઉપર હુમલા તરીકે ગણાવ્યું છે.