(એજન્સી) નવી દિલ્હી,તા.૩૦
ગુજરાત હાઇકોર્ટની સગીર બાળકો ઉપર માતા-પિતા કે ગાર્ડિયનનો અધિકાર હોવાની વાતનો સુપ્રીમ કોર્ટે અસ્વીકાર કર્યો છે. ગુજરાત હાઇકોર્ટના નિર્ણયમાં કહેવામાં આવ્યું હતું કે, સગીર પોતાની મરજીથી અન્ય સાથે રહેવાની ઇચ્છા વ્યક્ત ન કરી શકે. જોકે, સુપ્રીમ કોર્ટના જજોની બેંચે સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટના આ નિર્ણયે ખોટો ઠેરવ્યો હતો. આ સાથે સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, સગીર બાળકો ઉપર તેમના માતા-પિતા કે ગાર્ડિયનનો પુરો હક નથી.
જસ્ટીસ એકે સિકરી અને જસ્ટિસ અશોક ભૂષણની બેંચે આ મામલાની સુનાવણીમાં ગુજરાત હાઇકોર્ટના નિર્ણયને ખોટો ઠેરવ્યો છે. જજોએ સુનાવણી દરમિયાન ટિપ્પણી આપતા કહ્યું હતું કે, કોઇપણ સગીર બાળકોના ગાર્ડિયન પસંદ કરવાનો મતલબ એ નથી થતો કે, બાળક કોઇ બીજા સાથે પોતાની મરજીથી રહેવાની ઇચ્છા રજૂ ન કરી શકે. જજોની બેચના જણાવ્યા પ્રમાણે આવા મામલામાં બાળકની બેટરમેન્ટ સૌથી પહેલી પ્રાથમિકતા છે. એટલા માટે એવું કેવી રીતે માની લેવામાં આવે કે, બાળક પોતાની મરજીથી અન્ય કોઇની સાથે રહી ન શકે.
આ ઉપરાંત બેંચે જણાવ્યું હતું કે, જેને બાળકના ગાર્ડિયન બનાવ્યા છે તેમણે ગમે તે થાય હંમેશા માટે બાળકની દેખરેખ રાખવી પડશે. અમે આવા વિચારોની વિરૂદ્ધ છીએ. ૧૮ વર્ષથી નાની ઉંમરના સગીર બાળકોના મામલામાં તેની સાથે સંકળાયેલા નિર્ણયો લેવાનો અધિકાર તેના માતા-પિતા કે કાયદાકિય રીતે નિમણૂંક ગાર્ડિયનને છે. ગુજરાત હાઇકોર્ટના આ નિર્ણય ઉપર સુપ્રીમ કોર્ટે પ્રતિક્રિયા આપી હતી.