(એજન્સી) નવી દિલ્હી, તા.૬
સુપ્રીમ કોર્ટે ગુરૂવારે પુરીના જગન્નાથ મંદિરના પ્રશાસનને કોઈપણ વ્યક્તિના ધર્મ કે જાતિને ધ્યાનમાં લીધા વગર તેની આસ્થાને ધ્યાનમાં લેતા તેને મંદિરમાં પ્રવેશ આપવાનો નિર્ણય કર્યો છે.
સુપ્રીમ કોર્ટની આદર્શ ગોયલ અને એસ.અબ્દુલનઝીરની બે સભ્યોવાળી પીઠે આદેશ સંભળાવતાં કહ્યું કે હિન્દુત્વ અન્ય કોઈની પણ આસ્થાને સમાપ્ત કરવાની વાત નથી કરતું. આ વ્યક્તિની અંદરથી જન્મ લેતી આસ્થા છે અને તેનું આ સ્વરૂપ સદીઓથી રહ્યું છે, જે અન્યને પ્રભાવિત કરતી નથી. ના તો અન્યને નડે છે.
જો કે, કોર્ટે અન્ય ધર્મના લોકોને વિશેષ ડ્રેસ કોડ અને યોગ્ય અંડર ટેકિંગ બાદ મંદિરમાં દર્શન કરવાની પરવાનગી આપવા અંગે પ્રશાસને વિચાર કરવા માટે કહ્યું છે.
કોર્ટે કહ્યું છે કે માત્ર રાજ્યોએ જ નહીં પરંતુ કેન્દ્રએ પણ મુસાફરોને પડતી મુશ્કેલીઓ તરફ ધ્યાન દોરવુંં જોઈએ.
સર્વોચ્ચ ન્યાયાલયે કહ્યું કે મેનેજમેન્ટથી થનારી મુશ્કેલી, સફાઈનું ધ્યાન, મંદિરને મળતા દાનનો યોગ્ય ઉપયોગ અને મંદિરો સાથે જોડાયેલી સંપત્તિની સુરક્ષા ધર્મથી અલગ મુદ્દો છે, જેના પર રાજ્ય અને કેન્દ્ર બંનેને સંયુક્તરૂપે કાર્ય કરવું જોઈએ.
સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમ્યાન કેન્દ્ર પાસેથી સુચન માંગ્યું છે કે શું કોઈ ધાર્મિક સ્થળ જ્યાં અન્ય ધર્મના લોકોનો પ્રવેશ બાધ્ય હોય, ત્યાં અન્ય ધર્મના લોકોને પ્રવેશની પરવાનગી આપી શકાય છે કે નહી ? ખાસ કરીને તે ધાર્મિક સ્થળો પર કે જ્યાં બહાર એવું લખેલું હોય કે અન્ય ધર્મના વ્યક્તિનો પ્રવેશ નિષેધ છે.
આ કેસ અંગે આગામી પ સપ્ટેમ્બરે સુનાવણી હાથ ધરાશે.