(એજન્સી)              નવી દિલ્હી, તા.૧૮

સુપ્રીમકોર્ટે ગુરૂવારે મુસ્લિમોની ટ્રિપલ તલાક પ્રથાની બંધારણીયતાને પડકારતી અરજીઓનો ચુકાદો અનામત રાખ્યો. મુખ્ય ન્યાયાધીશ જે.એસ.ખેહરની અધ્યક્ષતાવાળી પાંચ જજોની બંધારણીય બેંચે સતત ૬ દિવસથી આ અરજીઓની સુનાવણી કરી હતી જેમાં એમણે બધા પક્ષકારો અર્થાત કેન્દ્ર સરકાર, ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ, ઓલ ઈન્ડિયા મુસ્લિમ મહિલા પર્સનલ લૉ બોર્ડ અને અન્યોની રજૂઆતો સાંભળી હતી. એઆઈએમપીએલબીએ જણાવ્યું હતું કે, મુસ્લિમોમાં લગ્ન એક કરાર છે એ કરાર દ્વારા બન્નેના અધિકારો અને હિતોનું રક્ષણ થાય એ માટે બન્ને પક્ષકારો નિકાહનામામાં અમુક કલોઝ મૂકી શકે છે. આ પહેલાં સુપ્રીમકોર્ટે બોર્ડના વકીલ કપિલ સિબ્બલને પૂછયું હતું કે, શું એ સંભવિત છે કે, મહિલાઓને ટ્રિપલ તલાક નહીં સ્વીકારવાનો અધિકાર આપી શકાય છે. બોર્ડે પોતાનો જવાબ ઉપરોકત બાબત પછી રજૂ કર્યો હતો. આ પહેલાં સિબ્બલે કહ્યું હતું કે, ૧૪૦૦ વર્ષ જૂની પરંપરાને કઈ રીતે ગેરબંધારણીય કહી શકાય. સિબ્બલે કહ્યું હતું કે, જે એ વિષય આસ્થાનો છે કે, રામનો જન્મ અયોધ્યામાં થયો હતો. એ જ રીતે ટ્રિપલ તલાક પણ આસ્થાનો વિષય છે જે બાબતે પ્રશ્નો ઊભા નહીં કરવા જોઈએ. કેન્દ્ર સરકારે ૧૧મી મેએ રજૂઆતો કરી હતી કે ટ્રિપલ તલાકનો વિરોધ કરે છે અને મહિલાઓને સમાન અધિકાર મળે એ માટે એ લડાઈ ચાલુ રાખશે.