(એજન્સી) નવી દિલ્હી, તા.ર૫
જો કે મૃત વ્યક્તિ પણ ગૌરવ ધરાવે છે. એમની ઓળખ જાહેર નહીં કરી શકાય. બળાત્કાર પીડિતાની ઓળખ જાહેર કરવાના મુદ્દે સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું હતું. જેમાં કઠુઆની ઘટના પણ સામેલ હતી. કોર્ટે કહ્યું કે જ્યારે બળાત્કાર પીડિતા જીવિત હોય પછી એ સગીર હોય, વયસ્ક હોય અથવા અસ્થિર મગજની હોય તેમની ઓળખ જાહેર નહીં થવી જોઈએ. એમને પણ ગોપનિયતાનો અધિકાર છે અને એ જીવન પર્યત કલંક સાથે જીવી નહીં શકે વધુમાં મૃતક વ્યક્તિના ગૌરવ વિશે પણ આવા જ વિચારો હોવા જોઈએ. મીડિયા ઘટનાઓનો રિપોર્ટ નામ જાહેર કર્યા વિના પણ કરી શકે છે. સુપ્રીમ કોર્ટ ઈપીકોની કલમ-રર૮-એની જોગવાઈઓ બાબતે ચર્ચા કરી હતી જેમાં જાતિય શોષણની પીડિતાઓની ઓળખ જાહેર કરવા બાબતે જોગવાઈ કરવામાં આવી છે. બેન્ચે કહ્યું કે અમે આ કલમની વિસ્તૃત છણાવટ કરીશું. એ સાથે પ્રશ્ન કર્યો કે સગીરોની ઓળખ પણ જાહેર નહીં કરવી જોઈએ. ભલે એમના વાલીઓ સંમતિ આપતા હોય. સગીર પણ આગળ જઈ મોટી થવાની છે પછી એ જીવન પર્યત કેમ કલંંક લઈ ફરતી રહે. આ મુદ્દે રજૂઆત કરતા કોર્ટ મિત્ર ઈન્દિરા જયસિંગે કહ્યું કે આ પ્રકારની ઘટનાઓને જાહેર કરવા માટે મીડિયા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ નહીં હોવો જોઈએ. વાણી સ્વતંત્રતા અને પીડિતાના અધિકારો વચ્ચે સમતોલન જાળવવું જોઈએ. ઈપીકોની કલમ-રર૮માં જોગવાઈ છે કે જાતિય શોષણની પીડિતાનું નામ જાહેર કરવા બદલ બે વર્ષની સજા અથવા દંડ અથવા બંનેની જોગવાઈ છે.