અમદાવાદ,તા.ર૬
ગુજરાતની જનતા અતિ વરસાદથી ત્રસ્ત છે ત્યારે ભાજપની આખી સરકાર કોંગ્રસને તોડવામાં વ્યસ્ત છે. આ સંજોગોમાં લોકોને સહાય માટે અને બચાવ કરવાની ચિંતા કરવાને બદલે સરકાર અને આખો ભારતીય જનતા પક્ષ કોંગ્રેસના ધારાસભ્યોને યેનકેન પ્રકારે તોડવાનો પ્રયત્ન કરે છે. પરંતુ કોંગ્રેસ વિધાનસભા પક્ષની એકતા અડિખમ રહી છે. બનાસકાંઠામાં તેમજ સમગ્ર રાજ્યમાં પૂરગ્રસ્ત લોકોના જીવ બચાવવાના બદલે ગૃહ અને કાયદા મંત્રી ધારાસભ્યોને ગેરમાર્ગે દોરી કાયદાના ખોટા અર્થઘટન કરી. સ્વાર્થ સાધવા નિવેદનો કરે છે. એમ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે જણાવ્યું છે. સુપ્રિમ કોર્ટે પણ રાજ્યસભામાં ખુલ્લા મતના વાજપેયી સરકારના નિર્ણયને વ્યાજબી ઠેરવતા નોંધ્યું હતું કે, ગુપ્તતા અને પવિત્રતા બંને ચૂંટણીમાં જરૂરી છે, પરંતુ પવિત્રતા જાળવવા માટે ગુપ્તતા જતી કરવી પડે તો જતી કરવી જ જોઈએ. રાજ્યસભાની ચૂંટણીમાં ચાલતી સોદાબાજી અને કરપ્ટ પ્રેક્ટિસ રોકવા માટે ખુલ્લો મત એ અત્યંત જરૂરી છે.
સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બેન્ચ દ્વારા એમ પણ કહેવાયું કે રાજ્યસભામાં મતદાન એ ઈનડાયરેક્ટ ઈલેક્શન છે. મતદાર કોઈપણ સામાન્ય નાગરિક નથી બનતો. માત્રા ધારાસભ્ય જ મતદાર બને છે. ધારાસભ્ય પક્ષના નિશાન પર ચૂંટાયો હોય તો તે પક્ષની શિસ્તમાં રહે તે જરૂરી છે. કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોને તોડવામાં નિષ્ફળ રહેલ ભાજપ હવે તેમના મંત્રીઓ મારફત કાયદાના ખોટા અર્થઘટનો કરી ગુમરાહ કરવાનો પ્રયત્ન કરે છે. સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ જજમેન્ટ હોવા છતા જૂના પટના હાઈકોર્ટના જૂના જજમેન્ટો ખોટી રીતે કાયદા મંત્રી ટાંકે છે. સુપ્રીમ કોર્ટના અનેક જજમેન્ટ છે કે, પક્ષના આદેશનો ભંગ કરનાર ડિસક્વોલિફાઈ થાય છે અને આરપી એક્ટની જોગવાઈ મુજબ ગેરલાયકાત છ વર્ષ માટેની હોય છે. આ સ્પષ્ટ જોગવાઈ છતાં ધારાસભ્યોને તોડવામાં નિષ્ફળ રહેલ ભાજપ સદંતર જુઠ્ઠાણાંનો આશ્રય લઈ રહી છે.