(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને તીખો પ્રશ્ન પૂછ્યો હતો શું તમે તાજમહેલનો નાશ કરવા ઈચ્છો છો ? સુપ્રીમ કોર્ટની તીખી ટિપ્પણીઓ એક અરજીની સુનાવણી દરમિયાન કરાઈ હતી. કોર્ટમાં અરજી દાખલ કરાઈ હતી કે તાજમહેલની આજુબાજુ આવેલ ૪૦૦ વૃક્ષોને કાપવાની પરવાનગી આપવામાં આવે કારણ કે ત્યાં મથુરા અને દિલ્હી વચ્ચે વધારાનો રેલવે ટ્રેક નાંખવાની સરકારની યોજના છે. સુપ્રીમ કોર્ટના જજો મદન બી. લોકુર અને જજ દીપક ગુપ્તાએ અરજીની સુનાવણી દરમિયાન તીખી ટિપ્પણી કરતાં કહ્યું, તાજમહેલ દુનિયાના પ્રસિદ્ધ સ્મારકોમાં સ્થાન ધરાવે છે, શું તમે એનું નાશ કરવા ઈચ્છો છો ? શું તમે તાજમહેલના હાલના ફોટાઓ જોયા છે ? ઈન્ટરનેટ ઉપર જુઓ તાજમહેલની શું હાલત કરી નખાઈ છે ? જો તમારી એ જ ઈચ્છા હોય તો સોગંદનામું અથવા અરજી દાખલ કરો કે અમે તાજમહેલનું નાશ કરવા ઈચ્છીએ છીએ. સુપ્રીમ કોર્ટે પર્યાવરણવિદ એમ.સી. મહેતાની જાહેરહિત અરજીની સુનાવણી કરી રહી હતી. જેમાં મહેતાએ તાજમહેલની જાળવણી માટે વિનંતી કરી હતી. તાજમહેલને શાહજ્હાંએ ૧૬૩૧માં બનાવ્યું હતું. જેને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજનું બિરૂદ આપેલ છે. કોર્ટમાં અરજી દાખલ કરાઈ હતી જેમાં જણાવાયું હતું કે દિલ્હી અને મથુરા વચ્ચે આવાગમન ખૂબ જ વધેલ હોવાથી વધારાના રેલવે ટ્રેક નાખવાની જરૂર છે જેના માટે તાજમહેલની બાજુમાંથી ૪પ૦ વૃક્ષોને કાપવાની મંજૂરી મંગાઈ હતી. અરજીની વધુ સુનાવણી આવતા મહિને થશે. આ પહેલા પણ સુપ્રીમ કોર્ટે મહેતાની અરજી ધ્યાનમાં લઈ તાજમહેલને જાળવવા માટે સૂચનો આપ્યા હતા.