(એજન્સી) નવી દિલ્હી, તા.૮
મેડિકલ પ્રવેશ પરીક્ષા ‘‘નીટ’’ સામે તામિલનાડુમાં દેખાવો અને પ્રદર્શન સામે શુક્રવારે સુપ્રીમકોર્ટે પ્રતિબંધ મૂકયો છે. કોર્ટે તામિલનાડુના ઉચ્ચ અધિકારીઓને કહ્યું છે કે, રાજ્યમાં નીટ સામે પ્રદર્શન ન થાય તે જોવાની તેમની જવાબદારી છે. તામિલનાડુની વિદ્યાર્થિની અનીથાએ નીટ સામે વિરોધ કરી આત્મહત્યા કરતાં રાજ્યમાં પ્રદર્શનો ફાટી નીકળ્યા હતા. ત્યારબાદ રાજ્યમાં જનજીવન અસ્ત વ્યસ્ત બની ગયું હતું. ત્યારબાદ સુપ્રીમકોર્ટે એક અરજીની સુનાવણી બાદ આ નિર્દેશ આપ્યો હતો. અદાલતે તામિલનાડુ સરકારને કહ્યું છે કે, તે આ માગણીનો ૧૮ સપ્ટેમ્બર પહેલાં જવાબ આપે જ્યારે તે પ્રતિબંધ અંગે સમીક્ષા કરે. કોર્ટે કહ્યું કે, રાજ્યમાં પ્રદર્શનના કારણે જનજીવન પ્રભાવિત થાય તો તેની સામે કાનૂની કાર્યવાહી કરવી. મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રા, ન્યાયમૂર્તિ ચંદ્રચુડ અને ન્યાયમૂર્તિ એ.એમ.ખાનવેલકરની ખંડપીઠે કહ્યું કે, નીટની પરીક્ષાને કોર્ટ પહેલાંથી જ યોગ્ય ઠરાવી ચૂકી છે. કોર્ટે રાજ્યમાં નીટ સામે આંદોલન રોકવાની જવાબદારી મુખ્ય સચિવ અને પ્રમુખ સચિવોને માથે નાંખી નીટની પરીક્ષા અંગે કોઈપણ આંદોલન નહીં થાય તેની ખાત્રી આપવા જણાવ્યું છે. નીટની પરીક્ષા અંગે કોર્ટમાં કેસ હારી જનાર વિદ્યાર્થીની આત્મહત્યા પછી રાજ્યમાં પ્રદર્શનો થયા હતા. અનીતા ગરીબ દલિતની બેટી હતી. છોકરીનું સ્વપ્ન ડૉકટર બનવાનું હતું. અગાઉની પદ્ધતિથી પ્રવેશ મળ્યો હોત તો અનિથાને સરળતાથી એમબીબીએસના કોર્સમાં પ્રવેશ મળ્યો હોત. તેના ધો.૧રમાં સારા ટકા હતા જે પ્રવેશ માટે પૂરતા હતા. નીટની પ્રવેશનો નિયમ બનતાં અનિથા નિષ્ફળ જતાં આત્મહત્યા કરી હતી. તામિલનાડુમાં ૪૦ મેડિકલ કોલેજો છે. તેઓ કહે છે કે, નીટની પરીક્ષા સીબીએસસીમાં ભણતા વિદ્યાર્થીઓ માટે સરળ છે જ્યારે ગરીબ અને સ્થાનિક શાળાઓમાં ભણનાર માટે અઘરી છે. નીટ માટે ખાનગી ટયુશન ગરીબો કરી શકતા નથી. અનિથાની આત્મહત્યા બાદ તામિલનાડુ સરકારે નીટથી મુક્તિ માટે એક મંજૂરી આપી ન હતી. રાજ્યના વિદ્યાર્થીઓને નીચે પાડવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર પર વિપક્ષોએ આરોપ મૂક્યો છે.