અમદાવાદ, તા.૨૭
દિવાળીના તહેવાર અગાઉ અમદાવાદ સહિત અનેક શહેરમાં ચોરી અને લૂંટના બનાવો બને છે. આવા ચોરી અને લૂંટફાટના બનાવો ન બને તે માટે રાજ્ય પોલીસવડા શિવાનંદઝાએ પોલીસને આદેશ આપતો એક પરિપત્ર કર્યો છે. દિવાળી વેકેશન દરમ્યાન શાળા અને કોલેજો બંધ હોય છે, જેનો ફાયદો ઉઠાવી તસ્કરો ચોરી કરતા હોય છે. શાળા અને કોલેજોમાં ચોરી અટકે તે માટે શૈક્ષણિક સંસ્થાઓમાં પોલીસ અધિકારીઓને આચાર્ય અને પ્રિન્સિપાલો સાથે મીટિંગ કરીને સુરક્ષા અંગે ચર્ચા કરવા પોલીસવડાએ આદેશ આપ્યો છે. શાળામાંથી કમ્પ્યૂટર, ટીવી અને મધ્યાહ્ન ભોજનના સામાનની ચોરી ન થાય તે માટે તેને સુરક્ષિત સ્થળે રાખવા જણાવ્યું છે અથવા શૈક્ષણિક સંસ્થાઓમાં સિક્યોરિટી ગાર્ડ અથવા ચોકીદાર રાખવા માટે વ્યવસ્થા કરાવવા આદેશ આપવામાં આવ્યા છે. અપૂરતી અને ખામીયુક્ત સુરક્ષાને લઇ તેઓ સાથે ચર્ચા કરવા જાણવામાં આવ્યું છે. તહેવારમાં બેંક, એટીએમ, આંગડિયા પેઢી પરથી નાણાંના વ્યવહાર વધુ હોય છે માટે હોક બાઇક, પીસીઆર વાન અને ડી સ્ટાફના માણસોને સાદા કપડામાં તહેનાત રાખવા, સ્પીડ બાઇક પર ડબલ સવારીમાં મોઢે રૂમાલ બાંધીને ચહેરો છુપાવવાનો પ્રયાસ કરતા હોય તેવા લોકાને અવશ્ય તપાસવા, ધર્મસ્થાનો આસપાસ ફટાકડા ફોડવા દરમિયાન કોમી વૈમનસ્ય ન સર્જાય તે માટે સંવેદનશીલ વિસ્તારમાં વિશેષ તકેદારી રાખવી, હોટલ, ગેસ્ટ હાઉસ ઉપરાંત મોટા રસ્તાને જોડતા નાકા પર વાહન ચેકિંગ કરી શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવા આદેશ અપાયા છે.