કોલંબો, તા.૧૭
ખેલાડીઓના વિરોધની અવગણના કરીને શ્રીલંકન ક્રિકેટ બોર્ડે પોતાની ટીમને લાહોર મોકલવાની મંજૂરી આપી દીધી છે. અહિંયા પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે ત્રીજી અને અંતિમ ટી-ર૦ મેચ રમાશે બોર્ડે કોલંબોમાં પોતાની કાર્યકારી સમિતિમાં આ મુદ્દે ચર્ચા કર્યા બાદ આ નિર્ણય કર્યો. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રીલંકાના ખેલાડીઓએ બોર્ડને લેખિતમાં ત્રીજી ટી-ર૦ મેચ માટે લાહોર પ્રવાસને લઈ વિરોધ વ્યક્ત કર્યો હતો. આ સાથે જ તેમણે આ મેચના આયોજન સ્થળમાં ફેરફારનો આગ્રહ પણ કર્યો હતો. જો કે આ આગ્રહના બે દિવસ બાદ જ બોર્ડે ટીમને લાહોર મોકલવાનો નિર્ણય કર્યો છે. બંને ટીમો વચ્ચે આ ટી-ર૦ મેચ ર૯ ઓક્ટોબરે લાહોરના ગદ્દાફી સ્ટેેડિયમમાં રમાશે. શ્રીલંકન બોર્ડે પોતાની યાદીમાં જણાવ્યું છે કે વર્લ્ડ ઈલેવન અને પાકિસ્તાન વચ્ચે પાકિસ્તાનમાં આયોજિત થયેલી ટુર્નામેન્ટમાં સુરક્ષા વ્યવસ્થાને જોઈ અમે સંતુષ્ટ છીએ. આને જોતા બોર્ડે ત્રીજી ટી-ર૦ મેચ લાહોરમાં જ રમવાનો નિર્ણય કર્યો છે.